પ્રાપ્ત માહિતી મુજબ સાવલી તાલુકાના ભાદરવા ગામે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ અને હાલના સરપંચના પતિ મહીપતસિંહ રાણા અને ભાજપ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને પૂર્વ સરપંચના પતિ અને પ્રદેશ કિસાન મોરચાના હોદ્દેદાર અશોક ગામેચી વચ્ચે પાણી છોડવા મુદ્દે માથાકૂટ થઇ હતી
ગામના વારીગૃહના પાણી છોડવા મુદ્દે બોલાચાલીમાં મારામારી થઇ હતી. વાયરલ વીડિયોમાં પૂર્વ તાલુકા પ્રમુખ દ્વારા કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અશોકભાઈએ જણાવ્યું હતું કે પોતે ગ્રામ પંચાયતના સદસ્ય છે અને તહેવાર હોય પાણી છોડવાનું કહેતા વારીગૃહના કર્મચારીનું ઉપરાણું લઈને ઝઘડો કર્યો હતો અને મહીપતસિંહે તેમની કાર મહિલાઓ પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. કેટલીક બાઇકો પર કાર ચઢાવી હતી જેના પગલે કેટલીક મહિલાઓને ઇજાઓ થઇ છે અને કારથી બાઈકોને પણ નુકશાન થયું છે. આ મુદ્દે મહીપતસિંહ રાણાએ જણાવ્યું હતું કે સામાન્ય બોલાચાલી થઈ હતી અને પંચાયતના કર્મચારીને અશોકભાઈએ પાણી મુદ્દે માર્યો હતો તેના પગલે સામાન્ય બોલાચાલી થઇ હતી.
ભાજપના બે નેતાઓ વચ્ચે મારામારી થતાં સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. બનાવના પગલે સમગ્ર તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ભાજપની આબરૂના ધજાગરા થવા પામ્યા છે. આ અંગે મોડી રાત્રે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.


