બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જુની અદાવતમાં એક શખસે જાહેરમાં બંદૂક સાથે ફરીને હવામાં ફાયરિંગ કર્યું છે. ઓઢવા ગામમાં સરપંચની ચૂંટણીની જૂની અદાવતને કારણે હિંસક ઘટના સામે આવી છે. સરપંચ પતિ રમેશ ભુતેડીયાએ બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ ઘટનામાં પીડિત મુકેશ ચૌધરીએ સરપંચના પતિ રમેશ ભુતેડીયા સહિત 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, સરપંચ પતિ અને તેમના સમર્થકોએ હુમલો કરી બે લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા.ફાયરિંગના વીડિયો વાયરલ થતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દાંતીવાડા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી લીધી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક વ્યક્તિ જાહેર વિસ્તારમાં બંદૂક સાથે ફરી રહ્યો છે. વીડિયોમાં તે હવામાં ફાયરિંગ કરતો પણ જોવા મળી રહ્યો છે.વીડિયો વાયરલ થતાં જ સમગ્ર મામલાની જાણ પોલીસને થઈ હતી.
અહેવાલ : પ્રધાનજી ઠાકોર


