વલસાડમાં વરસેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. સતત વરસતા વરસાદના કારણે રોડ-રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પરસ્થિતિ વધુ ગંભીર બની છે. ગ્રીનપાર્ક અને સદન નગર જેવી સોસાયટીઓમાં તો કમરસુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રોડ-રસ્તાઓ પર પાણી ભરતા લોકો પરેશાન
આ ભારે વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિને કારણે લોકોને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ઘણા લોકોને આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે પણ કમરસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે. નાના બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ માટે તો આ પરિસ્થિતિ અત્યંત જોખમી બની ગઈ છે. શાળાએ જતા બાળકો અને નોકરી પર જતા લોકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોએ તંત્ર પાસે પાણી નિકાલ કરવાની કરી માંગ
શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. અનેક વાહનો પાણીમાં ફસાયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. આ પરિસ્થિતિને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી લોકોની મુશ્કેલીઓનો અંત આવે અને જનજીવન ફરીથી સામાન્ય બને.


