રવિ મોસમનું વાવેતર ગાંધીનગર જિલ્લામાં પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જ ખેતરોમાં બોરકુવાના કેબલ કાપીને ચોરી કરવાના બનાવો બનવા લાગે છે. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોર ત્રિપુટીને ઝડપી લેતાં ચાર ચોરીના ભેદ ઉકેલાવા સાથે મુદ્દામાલ કબ્જે કરાયો છે. દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં કેબલ ચોરીઓ કરીને તરખાટ મચાવનારા આરોપીઓ તલોદ તાલુકાના રહેવાસી હોવાનું ખુલ્યું છે.

બોરકુવા પરથી કેબલ કાપીને ચોરી કરી જવા ઝડપી પાડવામાં આવેલા તસ્કરો સંબંધે એલસીબીના ઇન્સપેક્ટરના જણાવ્યા પ્રમાણે તેમની ટીમ દ્વારા તલોદ તાલુકાના કાબોદરા ગામે રહેતા જીગર કિરણસિંહ ચૌહાણ, રાહુલ કુંવરજી મકવાણા અને અજયભાઈ ઉર્ફે બાબુ પરમાર નામના ૨૧થી ૩૦ વર્ષની વયના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રૃપિયા ૧૨ હજારની કિંમતનો કેબલ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ ચોરાઉ કેબલ વેચવા ચિલોડાથી અમદાવાદ તરફ પાલજ ગામ નજીક ભંગારવાડામાં આવવાના હોવાની બાતમી મળવાના પગલે નજીકના વિસ્તારમાં વોચ ગોઠવી દેવામાં આવી હતી.દરમિયાન ત્રણે આરોપી આવતાં તેમની શંકાસ્પદ હિલચાલના પગલે અટકમાં લેવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતાં કેબલ ચોરીની કબુલાત કરી હતી. વધુમાં જણાવ્યું, કે આરોપીઓએ માણસા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ત્રણ કેબલ ચોરીને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત હિંમતનગર તાલુકાના નાદરી ગામે પણ ચોરી કરી હતી. કેબલમાં ત્રાબાના તાર આવતા હોવાથી ચોરી બાદ વેચીને કમાણી કરતાં આરોપી આખરે ઝડપાઇ ગયા હતાં.

