ગુજરાતે ‘સ્વસ્થ સમાજના નિર્માણ માટે બાળકો, કિશોરીઓ તથા મહિલાઓને પોષણક્ષમ આહાર આપવા’ના તેના નિર્ધારને વધુ મજબૂત બનાવવા તા. 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન પોષણ માસ ૨૦૨૫ની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
ગુજરાતના નાગરીકોના સર્વાંગી વિકાસમાં પૂર્ણ પોષણ એક મહત્વનું પરીબળ સાબિત થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સહી પોષણ દેશ રોશન”ના આહ્વાનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં આ અભિયાનને જન આંદોલન બન્યું છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં આઠમા પોષણ માસ દરમિયાન 73 લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.

‘પોષણ અભિયાન’ હેઠળ સ્વસ્થ અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના દરેક નાગરિક, ખાસ કરીને બાળકો, સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણને સુનિશ્ચિત કરવા માટે નવીન અને પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યાં છે. પોષણ અભિયાન માત્ર આરોગ્યલક્ષી નહીં, પરંતુ ગુજરાતની ભાવિ પેઢીને સશક્ત બનાવવાનું એક અભૂતપૂર્વ પગલું છે. સમાજના દરેક વર્ગ સુધી પોષણની પહોંચ સુનિશ્ચિત કરી, ગુજરાત સરકારે આ ક્ષેત્રે દેશભરમાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
ગુજરાત સરકાર દ્વારા તા. ૪ ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં ૭૩ લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ થકી જનસમુદાયને પોષણ પ્રત્યે વધુ જાગૃત કરવામાં આવ્યાં છે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ૪૩.૮૪ લાખ પ્રવૃત્તિઓનું આયોજન કરીને મોખરે રહ્યું છે. આરોગ્ય, શિક્ષણ, આયુષ અને કૃષિ જેવા સંલગ્ન વિભાગોએ પણ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપીને પોષણના સંદેશને સમાજના દરેક સ્તર સુધી પહોંચાડ્યો છે. આ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ૩.૮૪ લાખ, શિક્ષણ વિભાગ દ્વારા ૩.૭૭ લાખ, આયુષ દ્વારા ૩.૨૨ લાખ, કૃષિ વિભાગ દ્વારા ૧.૮૭ લાખ, પાણી પુરવઠા વિભાગ દ્વારા ૧.૨પ લાખ, રમત-ગમત અને યુવક સેવા વિભાગ દ્વારા ૧.૦ર લાખ અને પંચાયત વિભાગ દ્વરા ૧.૭૭ લાખ પોષણલક્ષી પ્રવૃતિઓ કરાઈ છે.
આ ઉપરાંત માહિતી ખાતા દ્વારા ૧.૧૨ લાખ, આદિજાતિ વિભાગ દ્વારા ૮૦ હજાર, પશુપાલન અને મત્સયોદ્યોગ વિભાગ દ્વારા ૧.૪૦ લાખ, મજૂર કલ્યાણ વિભાગ દ્વારા ૯૨ હજાર, ગ્રામવિકાસ વિભાગ દ્વરા ૧.૪૧ લાખ, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ૧.૪૯ લાખ, શહેરી વિકાસ વિભાગ દ્વારા ૧.૧પ લાખ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ૧.૧૭ લાખ અને સામાજિક ન્યાય તથા અઘિકારીતા વિભાગ દ્વારા ૭૧ હજાર જેટલી જન જાગૃત્તિની પ્રવૃત્તિઓ યોજાઈ હતી. તમામ સ્તરે કરવામાં આવતી પ્રવૃત્તિઓની એન્ટ્રી ‘જન આંદોલન’ ડેશબોર્ડ પર નિયમિતપણે કરવામાં આવે છે. ડિજિટલ મોનિટરિંગને કારણે રાજ્યની પ્રવૃત્તિઓનું આયોજન અને તેમાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત થઈ છે.
કુપોષણ સામેની લડાઈને માત્ર એક વિભાગ પૂરતી સીમિત ન રાખતા, ગુજરાત સરકારે આ મિશનને બહુ-વિભાગીય સહયોગ અને સક્રિય સમુદાય ભાગીદારી દ્વારા એક જન આંદોલન બનાવ્યું છે. વિવિધ વિભાગોના નોડલ ઓફિસરશ્રીઓ સાથે નિયમિત બેઠકો અને જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન આપીને, પોષણ માહની થીમ અને દૈનિક પ્રવૃત્તિઓનું અસરકારક આયોજન અને તેની દરેક કક્ષાએ યોગ્ય અમલવારી થાય તેનું પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારે બહુ-વિભાગીય સહયોગ અને જનભાગીદારીના માધ્યમથી પોષણ માસ ૨૦૨૫ને માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ‘સ્વસ્થ અને સુપોષિત ગુજરાત’ના નિર્માણ માટેનું એક શક્તિશાળી અભિયાન બનાવ્યું છે.
