GANDHINAGAR : પત્રકારના સ્વાંગમાં ‘તોડબાજી’ કરતી ગેંગનો પર્દાફાશ: સાંતેજ પોલીસે એક નકલી પત્રકારને દબોચ્યો

0
22
meetarticle

સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્રકારની ખોટી ઓળખ આપી ધાક-ધમકી દ્વારા નાણાં પડાવતી ટોળકીના એક સાગરીતને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. વિડિયો વાયરલ કરવાની ધમકી આપી ૧.૦૫ લાખ રૂપિયાની ખંડણી વસૂલનાર આ ટોળકી સામે પોલીસે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈને “તમે દેશી દારૂનો ધંધો કરો છો” તેવું કહી ડરાવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીનો વિડિયો ઉતારી લીધો હતો અને ધમકી આપી હતી કે જો તેઓ પૈસા નહીં આપે તો આ વિડિયો ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવશે. બદનામીના ડરથી ફરિયાદીએ ટુકડે-ટુકડે કુલ રૂ. ૧,૦૫,૦૦૦/- આરોપીઓને આપી દીધા હતા. જોકે, સતત વધતી ઉઘરાણીથી કંટાળી ફરિયાદીએ સાંતેજ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસની ત્વરિત કાર્યવાહી
ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ અને એસપી રવિ તેજા વાસમશેટ્ટીની સૂચના હેઠળ સાંતેજ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.સી. સરવૈયાની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અંકિત મહેશકુમાર વ્યાસ નામના આરોપીને ઝડપી લીધો હતો.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલ આરોપી અંકિત વ્યાસ રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ અમદાવાદના આણંદનગર, સેટેલાઈટ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોરી (કલમ ૩૭૯) સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
વોન્ટેડ આરોપીઓ
આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ (૧) સંજય પાંડે, (૨) મીતાશુ દરજી અને અન્ય બે કથિત પત્રકારો હાલ ફરાર છે. પોલીસે આ ચારેય વોન્ટેડ આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસે નોંધેલ ગુનો:
સાંતેજ પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૮(૬), ૩૦૮(૨) અને ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તંત્રનો સંદેશ:
“કોઈપણ વ્યક્તિ પત્રકાર કે અન્ય કોઈ હોદ્દાની ઓળખ આપી નાણાંની માંગણી કરે તો ડર્યા વગર તુરંત પોલીસને જાણ કરવી. નકલી ઓળખ ધારણ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” – સાંતેજ પોલીસ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here