SMC ને બાતમી મળી હતી કે હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક કુખ્યાત આરોપીઓ કોઈ ગંભીર ગુનાને અંજામ આપવા માટે ગેરકાયદેસર હથિયારો સાથે ગણદેવીના મહાદેવ મંદિરના પાર્કિંગમાં એકઠા થવાના છે.બાતમીના આધારે SMCની ટીમ ત્યાં પહોંચતા આરોપીઓએ ગેરકાયદેસર પિસ્તોલથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પરિણામે, SMCના પી.આઈ. ચંદ્રશેખર પનારા દ્વારા સ્વબચાવમાં સરકારી ગ્લોક પિસ્તોલથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં એક આરોપી યશસિંગ સુંદરસિંગના પગમાં ઈજા થઈ હતી.

ઝપાઝપી બાદ SMCની ટીમે ચારેય આરોપીઓ (મનીષ કુમાવત, યશસિંગ સુંદરસિંગ, રીષભ શર્મા, અને મદન કુમાવત) ને દબોચી લીધા હતા. તેમની પાસેથી 3 ગેરકાયદેસર હથિયારો અને 27 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ અગાઉ મર્ડર, એન.ડી.પી.એસ., ખંડણી અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. તેઓ કયા ગુનાને અંજામ આપવાના હતા, તે અંગે વધુ તપાસ ચાલુ છે.

