ગુજરાતના અનેક શહેરોમાં સોમવાર (23મી માર્ચ)થી પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓને પગલે પેટ્રોલ પંપો પર લાગેલી લાંબી કતારોનો મુદ્દો આજે (24મી માર્ચ) ગુજરાત વિધાનસભામાં ગાજ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. ખાસ કરીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વચ્ચે આ મુદ્દે ભારે શાબ્દિક ટપાટપી થઈ હતી.

વિપક્ષે સરકારને ભીંસમાં લીધી
મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્યમાં પ્રવર્તી રહેલી ઈંધણની અછત અને જનતાને પડતી હાલાકીનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ‘રાજ્યમાં પેટ્રોલ પંપો પર લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા છે અને સરકાર નિષ્ક્રિય છે. મેં આ ગંભીર મુદ્દે નિયમ 116 હેઠળ નોટિસ પણ આપી છે, છતાં સરકાર ગંભીરતા દાખવી રહી નથી.’જ્યારે અમિત ચાવડાએ સરકાર પર ગેરવહીવટનો આરોપ લગાવ્યો, ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેનો વળતો જવાબ આપતા દાવો કર્યો હતો કે ‘રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.’ તેમણે વિપક્ષ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉગ્ર દલીલો થતા ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો.
UCC મુદ્દે ધ્યાન ભટકાવવાનો વિપક્ષનો આક્ષેપ
વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સરકાર જાણીજોઈને ઈંધણ જેવી પાયાની જરૂરિયાતો પર ધ્યાન આપવાને બદલે સમાન નાગરિક સંહિતા (UCC) જેવા મુદ્દાઓ લાવીને જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. આ વિવાદ એટલો વકર્યો હતો કે ગૃહની કાર્યવાહીમાં વારંવાર વિક્ષેપ પડ્યો હતો. એક તબક્કે અધ્યક્ષે બંને પક્ષોને શાંત રહેવા અપીલ કરવી પડી હતી.

