અંકલેશ્વર-દાંડી હેરિટેજ માર્ગ પર નવા પુન ગામની સીમમાં કોલસાના પાઉડરથી ભરેલી એક હાઇવા ટ્રક અચાનક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ ઢોળાયેલા કોલસાના કારણે સ્થાનિક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકમાં ભરેલો તમામ કોલસાનો પાઉડર રોડની સાઈડમાં આવેલા વરસાદી કાંસમાં ઠલવાઈ ગયો હતો. કાંસમાં કોલસો ભરાઈ જવાને કારણે પાણીનો નિકાલ અવરોધાયો હતો અને વરસાદી પાણી સીધું નજીકના ખેતરોમાં ફરી વળ્યું હતું. ઉભા પાકને નુકસાન થવાની ભીતિ જણાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી.

સ્થિતિની ગંભીરતા જોતા સ્થાનિક ખેડૂતોએ સમયસૂચકતા વાપરી હતી. તાત્કાલિક જેસીબી મશીન બોલાવીને કાંસમાં ફસાયેલો કોલસો દૂર કરવામાં આવ્યો હતો અને પાણીના પ્રવાહને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ખેતરોમાં ભરાયેલા પાણીનો નિકાલ કર્યા બાદ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.ઘટના બાદ માર્ગ પર ટ્રાફિકને અસર ન પહોંચે તે રીતે પલટી ગયેલા હાઇવા ટ્રકને ક્રેન અને અન્ય સાધનોની મદદથી સીધો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

