GUJARAT : અંજારમાં ગુમ 43 વર્ષીય વ્યક્તિનો બે ટુકડામાં મળ્યો મૃતદેહ: બે કોથળામાં પેક કરી તળાવમાં ફેંકી દેવાઈ હતી લાશ

0
13
meetarticle

કચ્છના અંજારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેદી સંજોગોમાં ગુમ થયેલા 43 વર્ષીય વ્યક્તિની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના બે ટુકડા કરી અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં ભરી તળાવમાં ફેંકી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. અંજાર પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, અંજારના વરસામેડી વિસ્તારમાં આવેલી સરદાર આવાસ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય લખ્ખુ હુંબલ 31મી ઓગસ્ટની રાત્રિ બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા. તેના પુત્ર રવિએ પિતાને 31મી ઓગસ્ટની રાત્રે આશરે 10 વાગ્યે વરસામેડી ટોલનાકા નજીક ગણેશ મંદિર પાછળ આવેલા ખેતરમાં રખોપા માટે મૂક્યા હતા. બીજા દિવસે બપોર સુધી લખ્ખુ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેનો મોબાઇલ ફોન નર્મદા પમ્પિંગ સ્ટેશન નજીક બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ પહેલી સપ્ટેમ્બરની સાંજે પરિવાર દ્વારા અંજાર પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ થયાની નોંધ કરાવવામાં આવી હતી.

તળાવ કિનારે બે કોથળામાં મળી લાશ

ગુમ થયેલા લખ્ખુનો કોઈ પત્તો ન મળતાં પરિવારજનો ચિંતામાં હતા. દરમિયાન શનિવારે (પાંચમી સપ્ટેમ્બર) સાંજે ગામના તળાવ કિનારે પ્લાસ્ટિકના બે કોથળામાં માનવ શરીરના અંગો હોવાની જાણ થતાં પરિવારજનો અને પોલીસ દોડી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન એક કોથળામાં માથાથી કમર સુધીનો ભાગ મળી આવ્યો હતો, જ્યારે બીજા કોથળામાં શરીરનો બાકીનો ભાગ મળી આવ્યો હતો. મૃતકના માથાના ભાગે ધારદાર હથિયારથી ગંભીર ઇજા કરવામાં આવી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

હત્યા બાદ લાશના ટુકડા કરી પુરાવા છુપાવવાનો પ્રયાસ?

પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખસોએ લખ્ખુની હત્યા કર્યા બાદ લાશના બે ટુકડા કરી તેને અલગ-અલગ કોથળામાં ભરી તળાવમાં ફેંકી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. મૃતકના નાના ભાઈ દેવજીની ફરિયાદના આધારે અજાણ્યા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here