આજે 28 એપ્રિલના રોજ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેમાં ભાજપ ઐતિહાસિક અને ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે યોજાયેલી આ ચૂંટણીની મતગણતરી પૂરજોશમાં ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, કુલ 10005 બેઠકોમાંથી 732 બેઠકો તો અગાઉથી જ બિનહરીફ થઈ ચૂકી હતી. શરૂઆતી ટ્રેન્ડ અને અત્યાર સુધીના આંકડાઓ સ્પષ્ટપણે ભાજપની મોટી લહેર બતાવી રહ્યા છે, જોકે અમુક ગણતરીની જગ્યાઓએ ભાજપના ગઢમાં ગાબડાં પણ પડ્યા છે, પરંતુ એકંદરે ભાજપે જંગી બહુમતી મેળવી છે.
નગરપાલિકાની સ્થિતિ: રાજ્યની 84 નગરપાલિકાઓમાં ભાજપે સપાટો બોલાવતા 1676 બેઠકો પર કબ્જો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 367 બેઠકો પર સમેટાઈ ગઈ છે.જિલ્લા પંચાયતની સ્થિતિ: 34 જિલ્લા પંચાયતોમાં પણ ભાજપનો જ દબદબો જોવા મળ્યો છે. ભાજપે અહીં 701 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, તો તેની સામે કોંગ્રેસને ફક્ત 103 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.તાલુકા પંચાયતની સ્થિતિ: 260 તાલુકા પંચાયતોના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમળ જ ખીલ્યું છે. અહીં ભાજપે જંગી બહુમતી સાથે 2943 બેઠકો પોતાના નામે કરી લીધી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 769 બેઠકો આવી છે.

એકંદરે આ પરિણામો જોતા સ્પષ્ટ થાય છે કે, સમગ્ર રાજ્યમાં મતદારોએ ફરી એકવાર ભાજપના શાસન અને કામગીરી પર પોતાનો અતૂટ વિશ્વાસ મૂક્યો છે અને વિપક્ષને મોટો ઝટકો આપ્યો છે.
ભાજપનો ક્લીન સ્વીપ અને પૂર્ણ સત્તા: ગીર સોમનાથની ઉના પાલિકામાં તમામ 36 બેઠકો જીતીને ભાજપે ક્લીન સ્વીપ કર્યો છે. પંચમહાલના ગોધરામાં પહેલીવાર 44 માંથી 27 બેઠકો સાથે ભાજપને પૂર્ણ સત્તા મળી છે અને અહીં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી. આ ઉપરાંત ભાવનગર મનપા (44/52), આણંદ મનપા (43/52), ઊંઝા (31/36), રાજપીપળા (25/28), વ્યારા (26/28), વેરાવળ-પાટણ (24/44) તેમજ બનાસકાંઠાની પાલનપુર, ડીસા અને ધાનેરા પાલિકામાં ભાજપે સ્પષ્ટ સત્તા મેળવી છે. સુરત જિલ્લાની કડોદરા, બારડોલી અને માંડવી પાલિકા પણ ભાજપે કબ્જે કરી છે.
કોંગ્રેસ ક્યાં જીતી?: સાબરકાંઠાની વડાલી પાલિકામાં કોંગ્રેસ સત્તા મેળવવામાં સફળ રહી છે, જ્યારે હિંમતનગર અને ઈડરમાં ભાજપની સત્તા જળવાઈ રહી છે.
ભાજપનો દબદબો યથાવત્: સુરત જિલ્લા પંચાયત સહિત બારડોલી, પલસાણા, મહુવા, અંબિકા અને અરેઠ તાલુકા પંચાયતો પર ભાજપે જીત નોંધાવી છે. આ સાથે રાજકોટ તા.પં (21/22), જસદણ (15/22), ભાવનગર (15/20), ટંકારા (11/16), હળવદ (15/20), માળિયા, વાલોડ, ડોલવણ અને ઉચ્છલ તાલુકા પંચાયતોમાં પણ કમળ ખીલ્યું છે.
‘આપ’ (AAP) નો ધમાકેદાર પ્રવેશ: આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં 26 માંથી 15 બેઠકો, નેત્રંગમાં 16 માંથી 9 બેઠકો અને સૌરાષ્ટ્રના વિસાવદરમાં 18 માંથી 11 બેઠકો જીતીને આમ આદમી પાર્ટીએ સીધી પોતાની સત્તા સ્થાપી છે. ગોંડલ (4 બેઠક) અને હળવદ (4 બેઠક) માં પણ AAP ના ઉમેદવારો વિજેતા બન્યા છે.
કોંગ્રેસ ક્યાં ફાવી?: મોરબીની વાંકાનેર તાલુકા પંચાયત (14/24) અને તાપીની વ્યારા તાલુકા પંચાયત (13/20) માં કોંગ્રેસ સત્તા મેળવવામાં સફળ રહી છે.
ચૂંટણીના મોટા ઉલટફેર અને રસાકસી
મંત્રીના ગઢમાં જ મોટો ફટકો: આણંદના બોરસદમાં કેબિનેટ મંત્રી રમણ સોલંકીના વિસ્તારમાં જ ભાજપને 17 બેઠકો મળી છે અને તેઓ બહુમતીથી દૂર રહ્યા છે. અહીં અપક્ષોએ 18 બેઠકો જીતીને મોટો ઉલટફેર કર્યો છે, જ્યારે 1 બેઠક AAP ને મળી છે. અહીં કોઈને સ્પષ્ટ બહુમતી મળી નથી.
જીત્યા છતાં પ્રમુખપદ નહીં: બહુચરાજી તાલુકા પંચાયતમાં ભાજપે 16 માંથી 13 બેઠકો જીતીને સત્તા મેળવી છે, પરંતુ અજબ સ્થિતિ એ છે કે ભાજપ પાસે SC (અનુસૂચિત જાતિ) ના ઉમેદવાર ન હોવાથી ત્યાં 3 બેઠકો જીતનાર કોંગ્રેસમાંથી જ પ્રમુખ બનશે.
કાંટાની ટક્કર અને ટાઈ: 3 જગ્યાએ 50-50 ની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ તા.પં માં ભાજપ અને AAP વચ્ચે 9-9 બેઠકોથી ટાઈ પડી છે. દાંતા તા.પં માં ભાજપ અને કોંગ્રેસને 10-10 બેઠકો અને સોનગઢ તા.પં માં બંનેને 9-9 બેઠકો મળતા ટાઈ થઈ છે. ઉકાઈમાં પણ કોઈને સ્પષ્ટ બહુમતી મળી નથી.
પેનલ તૂટી અને દિગ્ગજો હાર્યા: અમદાવાદના બાપુનગર અને સરસપુર વોર્ડમાં ભાજપની પેનલ તૂટી છે. સરસપુરમાં 3 ભાજપ અને 1 કોંગ્રેસના (અર્ચના ચૌહાણ) ઉમેદવાર જીત્યા છે, જોકે ઓઢવ અને સ્ટેડિયમમાં ભાજપની પેનલ વિજેતા રહી છે. બીજી તરફ, કોંગ્રેસના જ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના ભાઈ ભરતસિંહ ચૌહાણને હારનો સામનો કરવો પડ્યો છે.

