પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગના ગુનામાં આરોપી છેલ્લા 23 વર્ષથી ફરાર હતો. સમગ્ર મામલે પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે 23 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, પંચમહાલના શહેરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2002માં રાયોટિંગના કેસ નોંધાયો હતો. જેમાં શહેરા તાલુકાના છાણીપ ગામના સામંતસિંહ ઉદેસિંહ ઠાકોર વિરૂદ્ધ રાયોટિંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે, આરોપી છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ પકડથી દૂર હતો. સમગ્ર કેસ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ટીમ બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બાતમીના આધારે વોન્ટેડ આરોપી સામંતસિંહ ઠાકોરને આણંદ જિલ્લાના ડભોઉ ગામથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને શહેરા પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

