GUJARAT : લોન ભરવાની શરતે બોલેરો ગાડી લઈ દાવોલ ગામના ખેડૂત સાથે છેતરપિંડી

0
107
meetarticle

 સોજીત્રાના ત્રણ શખ્સોએ બોરસદ તાલુકાના દાવોલ ગામના ખેડૂત પાસેથી લોન ભરવાની શરતે બોલેરો ગાડી ખરીદ્યા બાદ સગેવગે કરી દેતા બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે સોજીત્રાના ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદ તાલુકાના દાવોલ ગામે રહેતા સંજયભાઈ મફતભાઈ ગોહેલે શાકભાજીના ધંધા માટે રૂપિયા ૧.૨૦ લાખ ડાઉન પેમેન્ટ ભરીને લોનથી બોલેરો પિકઅપ ગાડી ખરીદી હતી. જોકે પાંચેક મહિના પહેલા માતાને ગંભીર બીમારી હોય દવા પાછળ વધુ ખર્ચ થઈ જતા તેઓ હપ્તા ભરી શકે તેમ ના હોવાથી તેમણે બોલેરો ગાડી વેચાણ માટે મૂકી હતી. જેથી બે મિત્રો મારફતે સોજીત્રાના શકીલભાઈ ઉર્ફે બોડી સિરાજભાઈ વ્હોરા, સરફરાજ ભાઈ મહંમદ ભાઈ વ્હોરા અને મતિનભાઈ વ્હોરા ગાડી જોવા માટે આવ્યા હતા. ત્યારબાદ ૧.૩૮ લાખ રૂપિયા રોકડા અને બાકીના હપ્તા ભરવાની શરતે બોરસદના નોટરી એડવોકેટ સમક્ષ વેચાણ કરાર કર્યો હતો અને ગાડી લીધા બાદ શકીલભાઈ ઉર્ફે બોડીએ ગાડીના એક પણ હપ્તા ભર્યા નહોતા અને ગાડીનું જીપીએસ લોકેશન જોતા તે કચ્છ જિલ્લાનું બતાવતું હતું. જેથી સોજીત્રા ખાતે જઈ તપાસ કરતા શકીલભાઈ ઉર્ફે બોડી આ પ્રકારે લોનના બાકી હપ્તા ભરવાનું વચન આપી ગાડીઓ ખરીદી કર્યા બાદ સગેવગે કરી દેતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેય શખ્સોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં તેઓનો કોઈ પત્તો મળ્યો નહોતો. જેથી આખરે સંજયભાઈ ગોહેલે બોરસદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here