દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો થયો હતો. મુખ્યમંત્રીએ દિલ્હીમાં જાહેર જનતાના પ્રશ્નો મુદ્દે જન સુનવાણી કાર્યક્રમ યોજ્યો હતો જેમાં તેમના પર આ હુમલો થયો હતો. આ હુમલો સાકરિયા રાજેશ ખીમજીભાઇ નામના શખ્સ દ્વારા કરાયો હતો, જે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે. હુમલા સમયે જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી બાદમાં આઇબી અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા તેની આકરી પૂછપરછ પણ કરાઇ હતી.
દિલ્હીના પીડબલ્યુડી મંત્રી પરવેશ વર્માએ કહ્યું હતું કે મુખ્યમંત્રીને હાથ, ખભે અને માથા પર ગંભીર ઇજા પહોંચી છે, પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોર પાસે એક બેગ અને કેટલાક દસ્તાવેજો હતા જોકે કોઇ હથિયાર નહોતું. પોલીસે હાલ હુમલાખોર સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. રિપોર્ટ મુજબ હુમલો કરનાર વ્યક્તિ બે દિવસ પહેલા જ દિલ્હી પહોંચી ગયો હતો અને ઉત્તર દિલ્હીની સિવિલ લાઇનમાં રોકાયો હતો. તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરે હુમલો કરવાની તૈયારી ૨૪ કલાક પહેલા જ કરી લીધી હતી. જેના પુરાવા તરીકે મુખ્યમંત્રીના ઘરના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. તેણે અગાઉ મુખ્યમંત્રીના ઘરની રેકી કરી હતી, એટલુ જ નહીં કેટલીક તસવીરો અને વીડિયો પણ લીધા હતા. હુમલો કરનારા યુવકના પરિવારનો દાવો છે કે તે પશુ પ્રેમી છે અને કૂતરા બહુ પસંદ કરે છે, હાલ દિલ્હીમાં રખડતા કૂતરા હટાવવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે.
આ ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સુરક્ષા વધારવામાં આવી શકે છે. હાલ તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા પુરી પડાઇ રહી છે. ઘટનાને નિહાળનારી એક વ્યક્તિએ કહ્યું હતું કે અમે તમામ લોકો જન સુનાવણીમાં આવ્યા હતા, તમામને નંબર મુજબ બોલાવાઇ રહ્યા હતા, હુમલો કરનારા શખ્સનો નંબર આવ્યો તો તે મુખ્યમંત્રી પાસે પહોંચ્યો અને તેની સાથે વાતચીત કરવા લાગ્યો, બાદમાં અચાનક જ તેણે મુખ્યમંત્રી રેખા ગુપ્તાને થપ્પડો મારી અને હુમલો કરી દીધો.
બાદમાં અચાનક જ પોલીસે તેને ઝડપી લીધો હતો. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આતિશીએ હુમલાની નિંદા કરી હતી. જ્યારે મંત્રી કપિલ મિશ્રાએ આ હુમલા પાછળ મોટું કાવતરું હોવાનો દાવો કર્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી પર ગુજરાતના આ શખ્સે હુમલો કેમ કર્યો તેને લઇને હાલ તપાસ ચાલી રહી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું હતું કે હુમલાને પગલે હું આઘાતમાં જતી રહી હતી જોકે હવે ઠીક છું, આ હુમલો માત્ર મારા પર નહીં જનતાની સેવા અને ભલાઇના અમારા સંકલ્પ પર હુમલો છે.


