GUJARAT : રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી

0
21
meetarticle

 સહકાર મેઇન રોડ પર સાધના સોસાયટી શેરી નં.2/5ના ખુણે આવેલા ત્રણ માળના મકાનના પાર્કિંગમાં સ્થિત કેટરર્સનાં ગોડાઉનમાં આજે પાણી ગરમ કરતી વખતે લાગેલી આગને કારણે એલપીજીના બે બાટલા ધડાકાભેર ફાટતા આસપાસનાં સમગ્ર વિસ્તારમાં ભય વ્યાપી ગયો હતો. ગોડાઉનમાં ચાલીસ એલપીજી સિલિન્ડર અને ડીઝલનો જથ્થો પડયો હતો. સદનસીબે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી જતા મોટી દુર્ઘટના અટકી હતી. આગમાં 2  જણા દાઝી ગયા હતા. 

આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ વોટર ટેન્ડર અને મીની વોટર ટેન્ડર સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. તત્કાળ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. સ્થળ પરથી એલપીજીનાં 40  સિલિન્ડર અને ડીઝલનાં 5 કેરબા મળી આવ્યા હતા. એલપીજીના બે સિલિન્ડર ફાટયા હતા. જેને કારણે બંને સિલિન્ડરનાં ફુરચે-ફુરચા ઉડી ગયા હતા. 

પાર્કિંગમાં કેટરર્સનો સામાન ઉપરાંત અર્ટીગા કાર અને ટુ-વ્હીલર પણ સળગ્યા હતા. પોલીસે જણાવ્યું કે, મકાન માલીક તરીકે અશોકભાઇ કરશનભાઇ રૈયાણી છે. જેના સંબંધી વિપુલ કરશનભાઇ રૈયાણીનું આ કેટરર્સનું ગોડાઉન હતું. કેટરર્સનાં માણસોના કપડા ધોવા માટે પાણી ગરમ કરતી વખતે આ આગ લાગ્યાનું પોલીસને જણાવાયું છે. આમ છતાં આગ પાછળનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની મદદ લેવાશે. 

આગ લાગી ત્યારે પાણી ગરમ કરનારા બંને જણા સલામત રીતે બહાર નીકળી ગયા હતા. ત્યાર પછી ફાયર એસ્ટીગ્યુંશરની મદદથી આગ બુઝાવવા જતા પાડોશી શામજીભાઇ દેસાઇ (ઉ.વ. 77) અને મોહીત ત્રિવેદી (ઉ.વ. 20) દાઝી જતા સિવિલમાં ખસેડાયા હતા. 

જાણ થતાં ભક્તિનગરનાં પીઆઇ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન ગેસ ટ્રાન્સફર કરવા માટેની ઇલેક્ટ્રીક મોટર પણ સ્થળ પરથી મળી આવી હતી. જેનો ક્યા હેતુથી ઉપયોગ કરાતો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. એલપીજીના સિલિન્ડરનો જંગી જથ્થો મળી આવતા ભક્તિનગર પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. જેના આધારે પુરવઠા વિભાગે  તપાસમાં ઝુકાવ્યું છે.  ફાયર બ્રિગેડે ગોડાઉન ખાલી કરાવી તેના ડોક્યુમેન્ટ, બીયુ પરમિશન સર્ટીફિકેટ, મંજૂર પ્લાન વગેરે માટે નોટીસ ફટકારી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here