GUJARAT : રાજકોટમાં યુવકની હત્યા પાછળ મહિલા કારણભૂત, ત્રણની ધરપકડ

0
22
meetarticle

રૈયા રોડ પરના મણીનગરમાં રહેતા ભાવેશ વાણવીની હત્યા અને તેના ભત્રીજા પ્રિન્સ ઉપર હુમલો કરવાના ગુનામાં એલસીબી ઝોન-૨નાં સ્ટાફે રવિ મેરાભાઇ જોગરાણા (ઉ.વ.૩૩), તેના ભાઇ સાગર (ઉ.વ.૨૬) અને ગોપાલ (ઉ.વ.૨૨) (રહે. ત્રણેય રાધેશ્યામ ગૌશાળાની સામે મફતીયાપરા, રૈયાધાર) ને ઝડપી લીધા હતા. 

જોકે મુખ્ય સુત્રધાર હમીર જોગરાણા ઉપરાંત દેવકરણ, ભુરો અને વિક્રમ સહિતનાં ત્રણ આરોપીઓ હાથમાં નહીં આવતા તમામની પોલીસે શોધખોળ જારી રાખી છે. આ કેસનાં તપાસનીશ એસસી, એસટી સેલનાં એસીપી ચિંતન પટેલની તપાસમાં એવુ ખુલ્યું છે કે મૃતક ભાવેશની કૃપાલી નામની મહિલા મિત્ર હતી. જેની સાથે આરોપી હમીરને પણ ફ્રેન્ડશીપ થઇ જતા બંને ઇન્સ્ટાગ્રામ ઉપર વાતચીત કરતા હતા. જેને કારણે મૃતક ભાવેશ અને આરોપી હમીર વચ્ચે તકરાર શરૂ થઇ હતી. 

આરોપી હમીરનાં ભાઇ સાગરનો રસનો ચિચોડો છે. જ્યાં આવારા તત્વો ભેગા થાય છે તેવી મૃતક ભાવેશે મનપામાં અરજી કરતા તકરાર વધી હતી. આખરે આરોપી હમીરે મૃતક ભાવેશ અને કૃપાલી પોતાને હનીટ્રેપમાં ફસાવશે અને પૈસા માગી રહ્યા છે તેવી ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં અરજી કરી હતી. આ રીતે બંને પક્ષો વચ્ચે ચાલતી તકરારને કારણે આખરે આરોપી હમીરે તેના ભાઇઓ અને મળતીયાઓ સાથે મળી ભાવેશની હત્યા કરી નાખી હતી. 

બીજી તરફ ગઇકાલે મૃતક ભાવેશના પરિવારજનોએ મૃતદેહ સંભાળી લીધા બાદ તેને લઇ હોસ્પિટલ ચોક પાસે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા હતા. જ્યાં ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા ધમાલ થઇ હતી. જે અંગે એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 

ક્રાઇમ બ્રાંચમાં એએસઆઇ તરીકે નોકરી કરતા સંજયભાઇ દાફડાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હોસ્પિટલ ચોકમાં બંદોબસ્તમાં હતા ત્યારે આરોપીઓ દિલિપ ધીરુભાઇ સોલંકી ઉર્ફે ડી.ડી.સોલંકી, અશોક સિંધવ અને નરેશભાઇ બગડાએ ટોળાંને ઉશ્કેરી ચક્કાજામ કરવા કહ્યું હતું. 

જેને કારણે ૧૫ થી ૨૦ માણસોના ટોળાએ ચક્કાજામ કરી રસ્તો બ્લોક કરી દીધો હતો. જેથી તેમને ડીટેઇન કરવાની કાર્યવાહી દરમિયાન ત્રણેય આરોપી ઉપરાંત અન્યોએ તેને ધક્કો મારી નીચે પછાડી દીધા હતા. એટલું જ નહીં ભુંડા બોલવા લાગ્યા હતા. સાથોસાથ કહ્યું કે તમારા બધાના પટ્ટા-ટોપી ઉતારી નાખીશું.

આ સ્થિતિમાં બળપ્રયોગ કરી ડીટેઇન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. એ.ડિવિઝન પોલીસ મથક ખાતે આરોપી ડી.ડી.સોલંકીએ તેને તું ઘરે તો એકલો જ જશે ને, રસ્તામાં તને પતાવી દેશું તેવી ધમકી આપી હતી. જેથી ત્રણેય આરોપીઓ ઉપરાંત ૧૫ થી ૨૦ માણસોનાં ટોળા સામે ફરજમાં રૂકાવટ, ધમકી આપવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જણાવ્યું કે મૃતક ભાવેશ સામે મારામારી, રાયોટીંગ સહિતનાં આઠ ગુના નોંધાયા હતા. પાસામાં પણ તેની અટકાયત કરવામાં આવી હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here