ઉત્તર પ્રદેશના બરેલીમાં એક ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે જ્યાં સાયબર ક્રિમીનલે એક મહિલાને 42 કલાક સુધી ડિજીટલ એરેસ્ટ કરી રાખ્યા હતા. આ મહિલા નિવૃત્ત બેંક કર્મચારી છે.
સાયબર ઠગે પોતાનો પોલીસ અધિકારી તરીકે રજૂ કરીને મહિલાને ડરાવી હતી કે તેના આધાર કાર્ડનો ઉપયોગ કરીને આઇએસઆઇએ સેટેલાઇટ ફોન ખરીદ્યો છે અને તેની ઓળખનો ઉપયોગ આતંકીઓના નકલી આઇડી બનાવામાં થયો છે. આવી જુઠી વાર્તા રજૂ કરીને સાયબર ઠગે મહિલાને ડરાવી ધમકાવી હતી અને સતત માનસિક તણાવમાં રાખી હતી.
મહિલાએ 70 લાખ રુપિયાની વ્યવસ્થા કરી
તેણે મહિલાને એમ પણ કહ્યું કે જો આ મામલો દબાવવો હોય તો સોના ચાંદીના દાગીના તથા બેંક ખાતામાં રહેલા પૈસા તથા એફડી લઇ આવો. ટરી ગયેલી મહિલાએ 70 લાખ રુપિયાની વ્યવસ્થા કરી હતી અને આ ગાળા દરમિયાન તે તેના ઘરમાં જ રહી હતી અને કોઇને પણ કંઇ પણ કહેવાની હિંમત કરી શકી ન હતી.
પહેલગામ પોલીસ સ્ટેશનનો અધિકારીની ઓળખ આપી
બરેલીમાં પ્રેમનગરમાં રહેતા ગુલશનકુમારી નામની મહિલાનો સોમવારે બપોરે અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો જેમાં એક પોલીસનો યુનિફોર્મ પહેરેલો વ્યક્તિ જોવા મળ્યો હતો. આ વ્યક્તિએ ડીઆઇજી રેંકના અધિકારીની ટોપી પહેરી હતી. તેણે પોતાને પહેલગામ પોલીસ સ્ટેશનનો અધિકારી બતાવીને કહ્યું કે નકલી સિમ કાર્ડ અને મની લોન્ડરીંગમાં મહિલા ફસાઇ છે.
આ વાત કોઇને કરી તો પરિણામ ખરાબ આવશે
તેણે મહિલાને કડકાઇથી કહ્યું કે જો તેણે આ વાત કોઇને કરી તો પરિણામ ખરાબ આવશે. મહિલાની તબિયત બગડી તો ભેજાબાજ ઠગે તેને હોસ્પિટલમાં લઇ જશે તેમ પણ કહ્યું જેનાથી આ મહિલા વધુ ડરી ગઇ હતી. મહિલાના પતિનું અવસાન થયું છે અને તે એકલી રહેતી હતી તેનો ફાયદો ભેજાબાજોએ ઉઠાવ્યો હતો.
પુત્રીએ હિંમત દાખવીને બરેલીના એસએસપીને જાણ કરી
ગુરુવારે જો કે મહિલાની પુત્રીએ હિંમત દાખવીને બરેલીના એસએસપીને જાણ કરતા તેઓની ટીમ તુરત જ સ્થળ પર પહોંચી હતી અને મહિલાને ડિજીટલ એરેસ્ટથી મુક્ત કરાવી હતી. તપાસમાં સામે આવ્યું કે કોલ પર જોવા મળેલો પોલીસ અધિકારી વાસ્તવમાં ઠગ હતો અને તેના યુનિફોર્મ પર 2 સ્ટાર હતા પણ ટોપી ડીઆઇજી રેંક ની હતી
પોલીસનો સંપર્ક કરો
ત્યારબાદ મહિલાને સાંત્વના આપીને પોલીસે સાયબર ક્રિમીનલથી મુક્ત રહેવા માટેની ટીપ્સ આપી હતી પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે જોઇ પણ શંકાસ્પદ કોલ આવે તો તેને સાચી માહિતી ના આપો અને પોલીસનો સંપર્ક કરો


