Sunday, May 19, 2024
Homeગુજરાતજેતપુર : ગોજારીયા સ્કૂલ કેમ્પસમાં બે દિવસથી ભૂખ સહન કરી રહેલા 300...

જેતપુર : ગોજારીયા સ્કૂલ કેમ્પસમાં બે દિવસથી ભૂખ સહન કરી રહેલા 300 બાળકોનો હોબાળો

- Advertisement -

કવાંટ નજીકના ગોજારીયા સ્કૂલ કેમ્પસમાં બાળકોને બે દિવસથી જમવાનું ન મળતાં બાળકોએ બુધવારે બપોરે હોબાળો કરી થાળી વગાડી દેખાવો કર્યા હતા. આ લખાય છે ત્યાં સુધી મડાગાંઠ યથાવત રહેવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ કવાંટ પાસે ગોજારીયા સ્કૂલ કેમ્પસમાં છ શાળાઓ આવેલી છે. જેમાં 2200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ કેમ્પસમાં બાળકોને પૂરતું જમવાનું મળતું નથી. બે દિવસથી 2200 બાળકોમાંથી માંડ 1500 બાળકોને જમવાનું મળે છે. બાકીના બાળકો જમ્યા વિના જ રહેતા હોવાનો આરોપ શાળાના બાળકો લગાવી રહ્યા છે.

ગોજારીયા કેમ્પસમાં 300 જેટલા બાળકોને મંગળવારે સાંજથી જ જમવાનું મળ્યું નથી. બાળકોના જણાવ્યા મુજબ ગઈકાલે દાલબાટી બનાવી હતી, તે પણ પૂરતી ન હતી અને ખૂટી પડતા બાકી રહેલા બાળકોને પારલે બિસ્કિટના એક પેકેટ આપી દેવામાં આવ્યા હતા. જ્યારે આજે સવારે 11 વાગ્યે જમવાનું આપવાનું હતું તેના બદલે સાંજના 5 વાગ્યા સુધી બાળકોને જમવાનું ન મળતાં થાળી વગાડીને હોબાળો કર્યો હતો. આજે જ્યારે બાળકો જમવા માટે ભોજનાલયમાં ગયા ત્યારે જમવાનું ન હતું, જેને લઈને બાળકો રાહ જોતા બેસી રહ્યા હતા.

 

તેમ છતાં જમવાનું મળ્યું ન હતું. બુધવારે જે બાળકોને જમવાનું મળ્યું તેમને પણ ગુણવત્તા વગરનું મળ્યું હતું. બપોરના ભોજનમાં સ્કૂલ કેમ્પસના ભોજનાલયમાં દાળ બિલકુલ પાણી જેવી પાતળી, રોટલી કાચી, ભાત પાણીવાળો જ્યારે શાક પણ કાચું અપાયું હોવાનું બાળકો જણાવી રહ્યા છે. બે શાળાના બાળકોને તો બિલકુલ જમવાનું મળ્યું ન હતું. છેલ્લા બે દિવસથી બાળકો ભૂખ્યા રહ્યા હોવાથી બુધવારે બપોરના સમયે ભોજનાલય બહાર અને અંદર હોલમાં હોબાળો કરીને થાળી વગાડીને રોષ પ્રદર્શિત કર્યો હતો.

હોબાળાની જાણ થતાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દોડી આવ્યા

ગોજારીયા શાળા સંકુલમાં બાળકોએ હોબાળો કર્યાની જાણ કવાંટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પિન્ટુ રાઠવાને થતાં તેઓ તાત્કાલિક ગોજારીયા ખાતે દોડી આવ્યા હતા. તેમણે બાળકોને સાંભળ્યા હતા અને લાગતા વળગતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને આ અંગે વાત કરી હતી.

બાળકોને બે ટંક સારું ભોજન મળતું નથી

સરકારના આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી બાળકો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમ છતાં આદિવાસી બાળકોને બે ટંક સારું જમવાનું પણ આપી શકતા નથી. ગોજારીયા શાળા સંકુલના બાળકો સાથે વાતચીત કરતાં તેઓએ વિદ્યાર્થીઓને તેલ, સાબુ, પાઉડર જેવી ચીજ વસ્તુઓ આપવાની હોય છે તે પણ હજુ સુધી આપવામાં આવી નથી.

2-2 બિસ્કિટના પેકેટ અને સેવ મમરા આપી દીધા હતા

ગઇકાલે સગડા બગડી ગયા હતા. બોટલ પૂરા થઈ ગયા હતા. ગઇકાલે જમવાનું ખૂબ મોડું
થયું હતું, હું, બાળકો અને બીજા મેડમ પણ હતા. અહીંયા જમવાનું મોડું જ થાય છે. ચાર દાલબાટી આપી હતી પણ તેમ છતાંય અમે બે બે બિસ્કિટના પેકેટ અને સેવ મમરા આપ્યા હતા. > ઇલાબેન ગઢવી, ઇન્ચાર્જ આચાર્ય, મોગરા સ્કૂલ

કલેક્ટરને જાણ કરી પણ હવે મંત્રીને લેખિતમાં જાણ કરીશ

મને ફોન આવ્યો હતો કે વિદ્યાર્થીઓને કાલથી જમવાનું મળ્યું નથી એટલે હું અહી આવ્યો છું. પણ હજુ જમવાનું આપ્યું નથી. જમવામાં જીવડાં પણ નીકળે છે. અગાઉ ફરિયાદ મળી હતી ત્યારે પણ હું આવ્યો હતો. અગાઉ હું એ કલેક્ટરને પણ જાણ કરી હતી પણ કોઈ પગલાં ભરાયા નથી. જેને લીધે અહીંયા આજે આ સમસ્યા ઊભી થઈ છે. હું વિદ્યાર્થીઓની આ સમસ્યા મુદ્દે મંત્રીને લેખિતમાં જાણકરવાનો છું. >પીંટુભાઈ રાઠવા, કારોબારી ચેરમેન, કવાંટ તાલુકા પંચાયત

રોટલી મળે તો શાક નથી મળતું, ચક્કર આવે છે

અમને જમવાનું પૂરતું મળતું નથી. અમને સારું મળે છે તેવું કહેવડાવે છે. અમને રોટલી મળે તો શાક નથી મળતું, શાક મળે છે તો દાળ નથી મળતી, ભાત મળે તો બીજું કાંઇ મળતું નથી. કચુંબર તો દેખાવ પૂરતું એક જ વખત મૂકે છે. પછી મૂકતાં જ નથી. અમે લોકો ગઇકાલથી જ ભૂખ્યા છે. અમને ચક્કર પણ આવ્યા પણ શું કરવાનું ? > જ્યોતિ રાઠવા, વિદ્યાર્થિની, ધોરણ 10

રાતે 11 સુધી રાહ જોઇ પણ ભોજન ના જ મળ્યું

અમે ગઇકાલથી હજુ જમ્યા નથી. એક દિવસ રોટલી મળે તો બીજા દિવસે ભાત મળે છે. મેનૂ પ્રમાણે જમવાનું મળતું નથી. કેટલીયવાર ખાવામાં જીવડાં આવે, વાળ આવે તેવું ખવડાવે છે. હોસ્ટેલના બધા ટોઇલેટ ઉભરાયેલા છે. આખો હોલ ક્યાં જાય ટોયલેટ કરવા? સાબુ કોપરેલ તો મળતું નથી. ગઇકાલે રાત્રે 11 વાગ્યા સુધી જમવાનું બને તેની રાહ જોઈ પણ ના આપ્યું પછી એક એક પારલે બિસ્કિટ આપી દીધા હતા. > રીંકુ દખિયાભાઇ ભીલ, વિદ્યાર્થિની, ધોરણ 10, મોગરા સ્કૂલ

અભ્યાસ બગડે છે

જમવાનું ના મળતાં બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે. જમવા જાય છે તો ખૂબ સમય બગડે છે જેને કારણે બાળકો લેક્ચર ચૂકી જાય છે. આજે 9થી 12ના બાળકોની એકમ કસોટી હતી, જે જમવાનું ના મળતાં બાળકો આપી શક્યા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular