KHEDA : ગુતાલ પાસેથી 22.19 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

0
37
meetarticle

ખેડા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે વડતાલ પોલીસ મથકની હદમાં આવતા ગુતાલ વિસ્તારમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે. નાતાલ અને આગામી ૩૧ ડિસેમ્બરના તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન આ સફળતા મળી છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે વિદેશી દારૂ, બિયરના ટીન, ચાર વાહનો અને પ્લાસ્ટિકના દાણા સહિત કુલ ૬૫,૯૧,૯૨૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ખેડા એલસીબીનો સ્ટાફ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન નરસંડા ચોકડી પાસે ખાનગી બાતમીદારથી ચોક્કસ માહિતી મળી હતી કે, વાસુદેવ ઉર્ફે વાસુ તળપદા, કિશન ઉર્ફે બોડો તળપદા, રવિ તળપદા, ભુપેન્દ્ર ઉર્ફે ભોપો પરમાર અને ઉર્વેશ તળપદા નામના શખ્સોએ બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવ્યો છે. આ જથ્થો ગુતાલ ગામે દશામાતાના મંદિરની સામે આવેલી નળીમાં કન્ટેનરમાંથી અન્ય વાહનોમાં કટિંગ કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે રેઈડ કરી હતી. પોલીસને જોઈને અંધારાનો લાભ લઈ કેટલાક માણસો નાસી છૂટયા હતા, પરંતુ પોલીસે પીછો કરીને અમિતકુમાર ઉર્ફે અંબુ તળપદા નામના એક શખ્સને ઝડપી પાડયો હતો. આ દરમિયાન દારૂ ભરેલા કન્ટેનરનો ચાલક વાહન લઈને ભાગવા જતા રસ્તામાં કન્ટેનર ફસાઈ ગયું હતું, જેથી ચાલક વાહન મૂકીને ખેતરોમાં નાસી ગયો હતો. પોલીસે સ્થળ પર તપાસ કરતા કન્ટેનર અને અન્ય વાહનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની કુલ ૯,૧૫૬ નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત ૨૨,૧૯,૦૪૦ રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે ૨૨,૮૦,૦૦૦ રૂપિયાની કિંમતના ચાર વાહનો, ૧૦,૦૦૦ રૂપિયાનો એક મોબાઈલ ફોન અને કન્ટેનરમાં દારૂ છુપાવવા માટે રાખવામાં આવેલી ૨૦,૮૨,૮૮૦ રૂપિયાની કિંમતની પ્લાસ્ટિકના દાણાની થેલીઓ કબજે કરી છે. પોલીસે પકડાયેલા એક આરોપી સહિત નાસી છૂટેલા અન્ય ૧૦ શખ્સો વિરુદ્ધ વડતાલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here