જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ચોમાસા દરમિયાન રક્ત દાતાઓ દ્વારા ઓછું રક્તદાન થાય છે. હાલમાં હોસ્પિટલના બ્લડ સેન્ટરમાં 550થી વધુ બ્લડ યુનિટનો સંગ્રહ છે.
સિવિલ હોસ્પિટલમાં લોહીની અછત ઊભી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદી વાતાવરણ અને માંદગીને કારણે ઘણા લોકો રક્તદાન કરવાનું ટાળે છે, જેના પરિણામે આગામી દિવસોમાં લોહીની તંગી સર્જાઈ શકે છે.
ચોમાસા દરમિયાન રક્ત દાતાઓ દ્વારા ઓછું રક્તદાન
જૂનાગઢની મુખ્ય આરોગ્ય સેવા પૂરી પાડતી સિવિલ હોસ્પિટલ દર મહિને હજારો દર્દીઓને સારવાર આપે છે. હોસ્પિટલમાં 800 બેડની સુવિધા ઉપલબ્ધ છે. અહીં દર મહિને અંદાજે 500થી વધુ મહિલાઓની ડિલિવરી થાય છે અને વિવિધ વિભાગોમાં નિયમિત સર્જરી પણ કરવામાં આવે છે. તેમજ હોસ્પિટલ થેલેસેમિયા જેવા ગંભીર રોગોથી પીડિત બાળકોની પણ સારવાર કરે છે. જેમને સતત લોહીની જરૂરિયાત રહે છે.
બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવા અપીલ
હાલમાં હોસ્પિટલના બ્લડ સેન્ટરમાં 550થી વધુ બ્લડ યુનિટનો સંગ્રહ છે અને કોઈ તાત્કાલિક અછત નથી. જોકે, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ડ દ્વારા ચોમાસાની ઋતુમાં રક્તદાતાઓની સંખ્યામાં ઘટાડો થવાની ચિંતા વ્યક્ત કરી છે. વરસાદી વાતાવરણ અને માંદગીને કારણે ઘણા લોકો રક્તદાન કરવાનું ટાળે છે, જેના પરિણામે આગામી દિવસોમાં લોહીની તંગી સર્જાઈ શકે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે જૂનાગઢની સ્વૈચ્છિક સંસ્થાઓ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવા અપીલ કરી છે.


