સોમનાથ મંદિરે દર્શન કરીને દ્વારકા જતા એક પરિવારની કારનો માંગરોળ પાસે પોરબંદર હાઈવે ઉપર ટ્રક સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેના પરિણામે કારમાં બેઠેલા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનો આગળનો ભાગ અને કારનો ભુક્કો બોલી ગયો છે.
સોમનાથથી દર્શન કરીને પરત થઈ રહેલા પરિવારને માંગરોળ પાસે નડ્યો અકસ્માત
પ્રાથમિક મળતી માહિતી અનુસાર, જામનગર પંથકનો એક પરિવાર આજે સોમનાથ દર્શન માટે આવ્યો હતો અને તેમની બલેનો સફેદ કલરની કાર નંબર જીજે.10. ઈ.સી.2991માં ચાર વ્યક્તિ બેઠા હતા, તેઓ બપોરે સોમનાથ દર્શન કરીને દ્વારકા તરફ જવા માટે નીકળ્યા હતા અને રસ્તામાં આશરે 4.30 વાગ્યાના અરસામાં સોમનાથ પોરબંદર હાઈવે ઉપર માંગરોળના શારદાગ્રામ પાસે કારનો ટ્રક સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો
કારનો ભુક્કો બોલાઈ ગયો
જેને લઈને કારનો આખો ભુક્કો બોલી ગયો અને કારમાં બેઠેલા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, અકસ્માતની જાણ થતાં સ્થાનિક મામલતદાર સહિતની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પોલીસને પણ જાણ કરી હતી, અહીં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા માટે 108ને બોલાવી અને ત્રણ વ્યક્તિને સારવાર માટે નજીકના માંગરોળ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે વ્યક્તિની હાલત વધારે ગંભીર જણાતા તેઓને જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે માંગરોળ પાસે હાઈવે ઉપર ટ્રાફિકજામ થયો હતો અને પોલીસે આવીને તમામ ટ્રાફિક ક્લિયર કરાવ્યો અને આગળની તપાસ શરુ કરી છે.


