GUJARAT : છ માસથી ફરાર હત્યાનો આરોપી છત્તીસગઢથી ઝડપાયો: દહેજ પોલીસે ગણતરીનાં દિવસોમાં આરોપીને પકડી પાડ્યો

0
68
meetarticle

દહેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાનાં ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપી શાહનવાઝ ઉર્ફે ખુર્શીદ ઉર્ફે સાહિલને પોલીસે છત્તીસગઢના રાયગઢ ખાતેથી પકડી પાડ્યો છે. ભરૂચ પોલીસની આ સફળતાથી ગુનાનાં ઉકેલમાં મહત્વની કડી મળી છે.


ઘટનાની વિગતો જોઈએ છેલ્લા કેટલાક મહિનાઓથી દહેજ પોલીસ ગુનાખોરી પર અંકુશ લાવવા માટે સઘન કાર્યવાહી કરી રહી છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ (વડોદરા રેન્જ) અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા (ભરૂચ)ની સૂચનાઓ મુજબ, દહેજ પોલીસે એક વિશેષ ટીમ બનાવી હતી. આ ટીમ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યરત હતી.
ગઈ તા. 22/09/2024ના રોજ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભેંસલી ગામની સીમમાં મોર્ડન કંપની પાસે ડામર રોડની બાજુમાં ઘાસમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ દિલીપકુમાર ઉર્ફે દીપક તરીકે થઈ હતી, જે આર્યા રોડલાઈન્સમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. મૃતકનું ખૂન થયું હોવાનું બહાર આવતા, દહેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે બે આરોપીઓ ફરાર હતા.
પોલીસ ઈન્સ્પેક્ટર એચ. બી. ઝાલાની આગેવાની હેઠળ દહેજ પોલીસની સર્વેલન્સ ટીમે આ ફરાર આરોપીઓને પકડવા માટે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો. ટેકનિકલ વિશ્લેષણ અને બાતમીના આધારે જાણવા મળ્યું કે એક આરોપી શાહનવાઝ ઉર્ફે ખુર્શીદ ઉર્ફે સાહિલ છત્તીસગઢનાં રાયગઢ વિસ્તારમાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરી રહ્યો છે.
આ માહિતી મળતા જ દહેજ પોલીસની એક ટીમ તાત્કાલિક રાયગઢ જવા રવાના થઈ હતી. પોલીસે છત્તીસગઢ પહોંચીને ફરાર આરોપી શાહનવાઝને ઝડપી પાડ્યો. આરોપીની ધરપકડ બાદ તેને દહેજ લાવવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપીની ઓળખ:
* નામ: શાહનવાઝ ઉર્ફે ખુર્શીદ ઉર્ફે સાહિલ ઝાહિદ ખાન
* ઉંમર: 24 વર્ષ
* વર્તમાન રહેઠાણ: પત્રાપલી, જીંદાલ કંપનીની પાર્કિંગ, રાયગઢ (છત્તીસગઢ)
* મૂળ રહેઠાણ: ગામ જૈતીપુર કઠાર, પોસ્ટ ઉપાધ્યાયપુર, થાના અંતુ, જિ. પ્રતાપગઢ (ઉત્તર પ્રદેશ)
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ઝાલા, કે. જી. સિસોદિયા અને સર્વેલન્સ ટીમના દીપજયભાઈ ગગજીભાઈ, સેતાનસિંહ દલપતસિંહ, જીતેશકુમાર સમીરભાઈ, પરેશભાઈ પરબતભાઈ, અરવિંદકુમાર હિંમતરામ, નિલાભાઈ રામાભાઈ અને વનરાજસિંહ ભગવાનભાઈ જેવા કર્મચારીઓનો સક્રિય ફાળો રહ્યો હતો.

REPOTER : મનિષ કંસારા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here