NATIONAL : ઉજ્જૈનમાં મોટી દુર્ઘટના! વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરેલા 4 કર્મચારીઓનાં કરુણ મોત

0
19
meetarticle

મહાકાલ નગરી ઉજ્જૈનમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર દુર્ઘટના સામે આવી છે. ઉજ્જૈનના દેવાસ રોડ પર આવેલી ‘હોટેલ શ્રીગંગા’ ના વેસ્ટેજ ચેમ્બરમાં સાફ-સફાઈ કરવા માટે ઉતરેલા 4 કર્મચારીઓના ઝેરી ગેસની ગૂંગળામણના કારણે કરૂણ મોત નીપજ્યા છે. શનિવારે મોડી રાત્રે ઘટેલી આ દુર્ઘટનામાં બચાવવા ગયેલા અન્ય કેટલાક કર્મચારીઓ પણ ઝેરી ગેસની ઝપેટમાં આવી જતાં ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જાણો સમગ્ર મામલો

પ્રાપ્ત વિગતો અનુસાર, હોટેલના જમણી બાજુ આવેલા વેસ્ટેજ ચેમ્બરમાં મીઠાઈ, ડેરી ઉત્પાદનો તેમજ ચાસણી, ઘી-તેલ અને એંઠા પાણીનો કચરો નાખવામાં આવે છે. આ કચરાના કારણે ડ્રેનેજ લાઈન જામ થઈ જતાં શનિવારે રાત્રે આશરે 10:30 વાગ્યે હોટેલના કેટલાક કર્મચારીઓ ટાંકી સાફ કરવા માટે ચેમ્બરમાં ઉતર્યા હતા. જોકે, ચેમ્બરમાં જમા થયેલા ઝેરી ગેસના કારણે કર્મચારીઓ અંદર જ ગૂંગળાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા નહોતા. અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા તેમને બચાવવા માટે ઉતરેલા અન્ય કર્મચારીઓ પણ વિષકારી ગેસની લપેટમાં આવી ગયા હતા.

પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

ઘટનાની જાણ થતાં જ ઉજ્જૈનના જિલ્લા પોલીસ વડા (SP) પ્રદીપ શર્મા સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો અને બચાવ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મોડી રાત સુધી ચેમ્બરમાંથી કર્મચારીઓને બહાર કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ઝેરી વાયુ શ્વાસમાં જવાથી ગૂંગળામણને કારણે જ ચારેય કર્મચારીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. હોટેલ તંત્ર દ્વારા સુરક્ષાના સાધનો વગર કર્મચારીઓને ચેમ્બરમાં ઉતારવામાં આવ્યા હતા કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટનાને પગલે સમગ્ર ઉજ્જૈન શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here