હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશના પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમી વિસ્તારોમાં ફરીથી ચોમાસુ સક્રિય ભૂમિકામાં જોવા મળી રહ્યું છે. આગામી ૧૯મી સપ્ટેમ્બરથી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરશે, સાઉથવેસ્ટના રાજ્યો જેમ કે ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ વગેરેમાંથી ચોમાસુ વિદાય લેશે. જોકે બીજી તરફ કેટલાક રાજ્યોમાં વરસાદની પણ આગાહી છે. સાથે જ એવી શક્યતાઓ છે કે આગામી પાંચથી છ દિવસમાં ઉત્તર-પશ્ચિમમાંથી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરી શકે છે.
હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને પંજાબમાં ૧૫થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. રાજસ્થાનમાં પણ સોમવારે વરસાદ પડયો હતો, સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ૧૯મી તારીખથી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરશે. આ ચોમાસામાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડયો છે. એસડીઆરએફએ સોમવારે હવામાન અનુકુળ થતા કેદારનાથમાં વિવિધ પહાડો પર રોકાયેલા ૬૫૦૦થી વધુ યાત્રાળુઓને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા.

પશ્ચિમમાંરવિવારથી જ કેદારનાથ ધામ પગપાળા માર્ગ ગૌરીકુંડથી લગભગ ૨.૫ કિમી ઉપર ચીરવાસા હેલીપેડની પાસે પહાડો પરથી પથ્થરો પડવાને કારણે ખોરવાયો હતો. ભારતીય એરફોર્સ દ્વારા સિયાચિન પાયનિયર્સ હેલીકોપ્ટર યુનિટે લદ્દાખમાં અંતરીયાળ વિસ્તારોમાં ચાર એનસીસી મહિલા કેડેટ્સને સુરક્ષીત બહાર કાઢી હતી. આ કેડેટ્સ અપરાજિતા ઓલ ઇન્ડિયા એનસીસી મહિલા હાઇ એલ્ટીટયૂડ ટ્રેકિંગ અભિયાનનો હિસ્સો હતી. તે લદ્દાખમાં ટ્રેક દરમિયાન મેડિકલ ઇમર્જન્સીનો શિકાર બની ગઇ હતી. ૧૮૫૦૦ ફૂટની ઉંચાઇ પર તેમને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

