સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે અન્ય કોઈપણ કોર્ટના જજ ભગવાન નથી અને તેમણે આપેલા દરેક ચુકાદા સાચા હોય તે જરૂરી નથી તેમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કરોલે શનિવારે જણાવ્યું હતું. જસ્ટિસ સંજય કરોલને શનિવારે સુપ્રીમ કોર્ટમાં અંતિમ દિવસે વિદાય અપાઈ હતી. તેમના વિદાય ભાષણમાં જસ્ટિસ સંજય કરોલે ન્યાયની સરહદો અંગે મુક્તમને પોતાના વિચારો રજૂ કર્યા હતા.
જસ્ટિસ સંજય કરોલે તેમના વિદાય ભાષણમાં સાથી જજો અને વકીલોને જણાવ્યું કે, જજ ભગવાન નથી હોતા અને તેઓ જે ચુકાદા આપે છે તે સાચા હોય તે જરૂરી નથી હોતું.
જજ બનવા માટે મહત્વપૂર્ણ બાબત થોડી વિનમ્રતા તેમજ અરજી કરનાર પાછળની વ્યક્તિને ઓળખવાની ક્ષમતા જરૂરી છે.
બંધારણ આપણને માત્ર કાયદાને યોગ્ય રીતે લાગુ કરવાનું જ નથી કહેતું, તે આપણને તેને ન્યાયપૂર્ણ રીતે પણ લાગુ કરવા કહે છે. કદાચ એટલે જ મને કાયદાકીય રીતે કોણ યોગ્ય છે તેના કરતાં ચુકાદા આપવાની જવાબદારી વધુ મોટી લાગે છે.

જસ્ટિસ કરોલને ૬ ફેબુ્રઆરી ૨૦૨૩ના રોજ સુપ્રીમ કોર્ટમાં પ્રમોટ કરાયા હતા. તેમના કાર્યકાળના અંતિમ દિવસે બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત અને જસ્ટિસ કરોલ, જોયમાલ્યા બાગચી અને વી. મોહના સામેલ હતા. પોતાના વિદાય ભાષણમાં જસ્ટિસ કરોલે ન્યાયતંત્રના વ્યવસાયમાં તેમના લગભગ ચાર દાયકાના પ્રવાસને યાદ કર્યો અને કહ્યું કે, કોર્ટરૂમ તેમના માટે ક્યારેય પણ માત્ર કામ કરવાની જગ્યા નહોતો.
તેમણે ઉમેર્યું કે, હું એમ નહીં કહું કે આ પ્રવાસ માત્ર મારો હતો. આ કોર્ટરૂમે મને ક્યારેય છોડયો નથી. તેણે હંમેશા મને સાથ આપ્યો છે. તેમણે ૪૦ વર્ષ કોર્ટરૂમમાં પસાર કર્યા, જેમાં પહેલા બેન્ચ સામે હાજર થનારા વકીલ તરીકે અને છેલ્લા ૧૯ વર્ષથી જજ તરીકેની કામગીરીનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે, કોર્ટરૂમમાં અનેક વખત ચૂપકિદી પણ હોય છે, જેમાં ઘણું બધું છુપાયેલું હોય છે. ન્યાયિક પ્રક્રિયામાં માત્ર બોલાયેલી દલીલો જ મહત્વની નથી હોતી, પરંતુ લોકો ‘શબ્દોની વચ્ચેની ચૂપકિદી’માં શું કહેવા માગે છે તે પણ મહત્વનું છે.

