NATIONAL : ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ

0
105
meetarticle

ધાર્મિક તહેવારો પર જાહેર રજાઓની વધી રહેલી માગણીઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક સ્પષ્ટતા કરી છે. સુપ્રીમે કહ્યું છે કે બંધારણના આર્ટિકલ ૨૫ હેઠળ લોકોને જે ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો મળ્યા છે તેમાં ધાર્મિક તહેવારો સમયે જાહેર રજાની માગણી કરવાનો અધિકાર સામેલ નથી, ધાર્મિક તહેવારોએ જાહેર રજાઓ સરકારનો નીતિગત નિર્ણય છે. 

સુપ્રીમ કોર્ટે એવુ પણ અવલોકન કર્યું હતું કે ભારતમાં પહેલાથી જ અનેક જાહેર રજાઓ આવે છે એવામાં વધુ એક જાહેર રજાની માગણી સ્વીકારી શકાય નહીં. ગુરુ ગોવિંદસિંહની જયંતિ પર પુરા દેશમાં રજા જાહેર કરવામાં આવે તેવી માગણી કરતી એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ અવલોકન કર્યું હતું. સાથે જ ગુરુ ગોવિંદસિંહના વખાણ પણ કર્યા હતા. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મેહતાની બેંચે કહ્યું હતું કે ગુરુ ગોવિંદસિંહજી પ્રત્યે ભારે સન્માન છે. તેઓ ન્યાય, કર્તવ્ય પ્રત્યે અતુટ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. 

સુપ્રીમે કહ્યું કે અરજીમાં જે માગ કરાઇ છે તે પાછળની ભાવના સન્માનનીય છે. પરંતુ આ મામલામાં ન્યાયિક દખલ આપવી શક્ય નથી. ધાર્મિક તહેવારો સમયે જાહેર રજાનો નિર્ણય લેવો તે સરકારની નીતિની બાબત છે અને તેમાં કોર્ટ દખલ ના આપી શકે.  સુપ્રીમે કહ્યું હતું કે એક તરફ બંધારણ દ્વારા અપાયેલી ધાર્મિક સ્વતંત્રતા એક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા કે અધિકાર આપે છે. જોકે રાજ્યો પાસેથી જાહેર રજાઓ અપાવવાનો અધિકાર આ ધાર્મિક સ્વતંત્રતામાં સામેલ નથી. રાજ્યો કે કેન્દ્ર સરકાર ઇચ્છે તો આ અંગે નિર્ણય લઇ શકે છે, સામાન્ય રીતે જાહેર રજાઓનો નિર્ણય સ્થાનિક જરૂરિયાતો, સામાજિક સાંસ્કૃતિક સ્થિતિ પર આધાર રાખે છે. ભારત જેવા વિવિધતાપૂર્ણ દેશમાં પહેલાથી જ અનેક ધાર્મિક તહેવારો પર જાહેર રજાઓ અપાય છે, ભિન્નતાને ભેદભાવ ના માની શકાય. બેંચમાં સામેલ ન્યાયાધીશ સંદીપ મેહતાએ ટિપ્પણી કરી હતી કે ભારત પહેલાથી જ હોલીડેનો દેશ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here