NATIONAL : મહિલા અનામત બિલને લઈને વિપક્ષનો માસ્ટર પ્લાન! PMને પત્ર લખીને કરશે આ ખાસ માગ

0
8
meetarticle

વિપક્ષી દળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખવાની તૈયારીમાં છે. આ પત્રમાં જૂના મહિલા અનામત બિલને લાગુ કરવાની માગ કરવામાં આવશે. સૂત્રો મુજબ આ અંગે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. વિપક્ષ સ્પષ્ટ કરશે કે તેઓ મહિલા અનામતનું સંપૂર્ણ સમર્થન કરે છે, પરંતુ સરકાર તેની આડમાં દેશનો રાજકીય નકશો બદલવાનો પ્રયાસ કરી રહી છે.

જૂના મહિલા અનામત બિલને અમારું સમર્થન: પ્રિયંકા ગાંધી

હાલમાં યોજાયેલી એક બેઠકમાં સોનિયા ગાંધીએ પોતાના તમામ સહયોગી દળોનો આભાર માન્યો હતો. વિશેષ સત્રના અંતિમ દિવસ પહેલા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને કહ્યું કે, તેઓ સોમવારે જ જૂનું મહિલા અનામત બિલ સંસદમાં રજૂ કરે. તેમણે કહ્યું કે જે બિલ પર પહેલાથી જ તમામ પક્ષોની સહમતી હતી, તેને તાત્કાલિક લાવવું જોઈએ. પ્રિયંકા ગાંધીના જણાવ્યા અનુસાર, જો સરકાર આવું કરશે તો વિપક્ષ સરકારને પૂરો સાથ આપશે.

બે-તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળતા

આ વિવાદ ત્યારે વધ્યો જ્યારે શુક્રવારે લોકસભામાં ‘બંધારણ (131મો સુધારો) વિધેયક, 2026’ પાસ ન થઈ શક્યું. જેનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાનો હતો, તે લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. ગત ગુરુવારથી શુક્રવાર મધ્યરાત્રિ સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ થયેલા મતદાનમાં બિલની તરફેણમાં 298 મત પડ્યા હતા, જ્યારે 230 સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો.

સીમાંકન સાથે મહિલા અનામતને જોડવુંએ ચૂંટણી માળખાને બદલવાનું ષડયંત્ર: રાહુલ ગાંધી

ગૃહમંત્રીએ વિપક્ષ પર આરોપ લગાવ્યો કે તેઓ મહિલાઓને 33 ટકા અનામત આપનારા સુધારાને રોકી રહ્યા છે. બીજી તરફ, રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓનું કહેવું છે કે તેઓ અનામતની વિરુદ્ધ નથી, પરંતુ તેને પરિસીમન/સીમાંકન સાથે જોડવું એ ચૂંટણી માળખાને બદલવાનું એક ષડયંત્ર છે. ત્યારબાદ સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર હવે આનાથી જોડાયેલા અન્ય બિલો પર આગળ વધશે નહીં. 

કેબિનેટની બેઠકમાં PM મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન

મહિલા અનામત બિલ લોકસભામાં જરૂરી બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. આ ઐતિહાસિક બિલ નિષ્ફળ જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીએ વિપક્ષની ઝાટકણી કાઢતાં કહ્યું કે, વિપક્ષે આ બિલને સમર્થન ન આપીને મોટી ભૂલ કરી છે અને હવે તેમણે તેના પરિણામો ભોગવવા પડશે.

ચૂંટણીમાં કોને થશે ફાયદો?

સંસદનું આ વિશેષ સત્ર તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની ચૂંટણીની હલચલ વચ્ચે લોકસભામાં લાવવામાં આવ્યું હતું. જેને વિપક્ષે નકારી કાઢતાં તેનો સીધો ફાયદો ભાજપને થશે તેવો દાવો અનેક રાજકીય પંડિતો કરી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here