મુંબઈના ઘાટકોપરથી કચ્છમાં આવેલા માતાના મઢ સુધીનો એક અનોખો અને પ્રેરણાદાયક પ્રવાસ દર વર્ષે યોજાય છે. જેનું આયોજન હર હર મહાદેવ સાયકલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે આ ગ્રુપે તેમના 11મા વર્ષના પ્રવાસની ઉજવણી કરી જેનો મુખ્ય સંદેશ ‘સે નો ટુ ડ્રગ્સ એન્ડ સે યેસ ટુ લાઇફ’ એટલે કે ‘ડ્રગ્સ છોડી દો અને જીવન જીવો હતો. આ સાયકલ ગ્રુપ ભરૂચ તાલુકાના દયાદરા ખાતે આવી પહોંચ્યું હતું. ગ્રુપના સભ્યએ જણાવ્યું કે આ અમારું 11મું વર્ષ છે અને આ પ્રવાસ 10 દિવસનો હોય છે. ઘાટકોપરથી કચ્છ સુધીના આ લાંબા પ્રવાસ દરમિયાન અમને ઠેર ઠેર કેમ્પમાં ખૂબ સારો સહયોગ મળે છે. જેના કારણે અમે સરળતાથી માતાના મઢ સુધી પહોંચી શકીએ છીએ. તેમણે કહ્યું કે લોકોનો પ્રેમ અને સત્કાર અમને દર વર્ષે વધુ પ્રેરણા આપે છે. આ ગ્રુપમાં કુલ 40 સભ્યો છે, જેમાં 14 સાયકલ અને 10 બાઈકનો સમાવેશ થાય છે.

આ યાત્રા દરમિયાન યુવાનોમાં અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો. આયોજકોએ જણાવ્યું કે, આ પ્રવાસ પાછળનો મુખ્ય હેતુ યુવાનોમાં નશાબંધી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવાનો છે. આ ગ્રુપની અસીમ શ્રદ્ધા અને સમર્પણ જ છે કે તેઓ સતત 11 વર્ષથી આ પ્રવાસ સફળતાપૂર્વક કરી રહ્યા છે. યાત્રાની શરૂઆત બોલો હર હર મહાદેવ અને ‘બોલ બ્રહ્મતેજેશ્વર મહાદેવ કી જય’ના નાદ સાથે કરવામાં આવી હતી, જેણે સમગ્ર વાતાવરણને શ્રદ્ધા અને ઉત્સાહથી ભરી દીધું હતું. આ ગ્રુપનો પ્રવાસ માત્ર એક શારીરિક યાત્રા નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેની એક અનોખી પહેલ છે.
REPORTER : સૈફ અલી ભટ્ટી વાગરા

