Railway Employees Diwali Bonus : દિવાળીના તહેવારોની સિઝનમાં કેન્દ્ર સરકારે રેલવેના નોન-ગેઝેટેડ કર્મચારીઓને ઉત્સાહિત કરતો મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી દેશભરના આશરે 11.40 લાખ પાત્ર કર્મચારીઓને સીધો ફાયદો મળશે. સરકાર આ બોનસ પાછળ કુલ ₹2,009 કરોડ ખર્ચ કરશે.
બોનસની ગણતરી અને જૂની મર્યાદા
આ બોનસની ગણતરી ₹7,000 ના લઘુતમ પગારના આધારે કરવામાં આવી છે. આ ગણતરી અનુસાર પ્રત્યેક કર્મચારીને ₹17,951 નું બોનસ મળશે. જોકે બોનસ નક્કી કરવા માટેની આ ₹7,000 ની મર્યાદા વર્ષ 2014-15 થી એટલે કે છેલ્લા 11 વર્ષોથી યથાવત છે. આ કારણથી ઘણા કર્મચારી સંગઠનો લઘુતમ પગારની મર્યાદા વધારીને ₹18,000 કરવાની સતત માંગ કરી રહ્યા છે. જો સરકાર આ માંગ સ્વીકારે તો આ રકમ વધીને ₹46,184 સુધી પહોંચી શકે છે.

કર્મચારીઓની અથાક મહેનતનું સન્માન
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા કર્મચારીઓની પ્રશંસા કરી હતી. લોકો જ્યારે પરિવાર સાથે તહેવારો મનાવે છે, ત્યારે પણ રેલવે કર્મચારીઓ ટ્રેક, એન્જિન અને વર્કશોપમાં સતત ફરજ બજાવે છે. તેમની આ અથાક મહેનત અને સમર્પણને ધ્યાનમાં રાખીને સરકારે સમયસર બોનસ આપવાનું નક્કી કર્યું છે.
દિવ્યાંગ પેન્શનના નિયમોમાં મોટો સુધારો
કેબિનેટે દિવ્યાંગ પેન્શન યોજનામાં પણ ખૂબ જ માનવીય અભિગમ અપનાવીને નિયમો હળવા કર્યા છે. અગાઉ પેન્શન માટે 80% દિવ્યાંગતા હોવી જરૂરી હતી, જે હવે તેને 50 ટકાથી ઘટાડીને માત્ર 40% કરી દેવામાં આવી છે. આ સહાય મેળવવા માટે લઘુતમ વયની શરત પણ જન્મથી જ લાગુ થશે. આ યોજના હેઠળ 0 થી 79 વર્ષની વયના લાભાર્થીઓને ₹375 અને 80 વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીઓને ₹625 ની માસિક આર્થિક સહાય મળશે.
સામાજિક સહાય યોજનાનું નવું સ્વરૂપ
સરકારે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમને વર્ષ 2026-27 થી વર્ષ 2030-31 સુધી એટલે કે આગામી 5 વર્ષ માટે લંબાવ્યો છે. આ કાર્યક્રમ માટે ₹53,428 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યોજનાનું નામ હવે પ્રધાનમંત્રી સામાજિક સહાય યોજના રાખવામાં આવશે. તેનાથી દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 3.20 કરોડ લોકોને સીધો સામાજિક સુરક્ષા લાભ મળશે.

