ગુજરાતમાં ભાડા વિધેયકના વિરોધની આગ અને વકીલોના આંદોલનનો વિવાદ હજુ થાળે પડયો નથી ત્યાં હવે નોટરીઓ પણ લડતના મૂડમાં આવ્યા છે. નોટરીઓ પાસેથી સોગંદનામાં કરવા સહિતની સંબંધિત સત્તાઓ લઈ મામલતદાર-તલાટીને આપી દેવાથી માંડી નોટરી ટિકિટ મેળવવામાં વર્ષોથી પડતી હાલાકી મામલે હવે નોટરીઓ આકરા પાણીએ થયા છે.
5 દિવસમાં ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલનની ચીમકી
અમદાવાદ ખાતે ન્યુ નોટરી ચેરિટેબલ એસોસીએશનની મળેલી બેઠકમાં નોટરીઓ તરફથી સરકારને સાફ ચેતવણી આપી દેવામાં આવી છે, જો પાંચ દિવસમાં નોટરીઓના પ્રશ્નોનું નિરાકરણ નહી લાવવામાં આવે તો, નોટરીઓ દ્વારા રાજ્યના તમામ વકીલમંડળો અને રાજ્યભરના નોટરીઓને સાથ લઈ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
વિદ્યાર્થીઓના દાખલાથી લઈને કરારો સુધીની મહત્વપૂર્ણ સેવાઓ
નોટરીઓ દ્વારા નાગરિકોને વિવિધ કાનૂની અને દસ્તાવેજી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓના એફિડેવિટ, આવકના દાખલા સંબંધિત એફિડેવિટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના એફિડેવિટ, પાસપોર્ટ સંબંધિત એફિડેવિટ તેમજ ભાડાકરાર માટે જરૂરી મંજૂરી અને કરારો જેવી કામગીરીનો સમાવેશ થાય છે.

સત્તા છીનવી લેવાતાં નોટરીઓ પાસે કામ ન રહેતા મુશ્કેલી વધી
જો કે, છેલ્લા ઘણા સમયથી સરકારે નોટરીઓ પાસેથી મોટાભાગની કામગીરી-સત્તા છીનવી લીધી છે અને મોટાભાગના આવા સોગંદનામાંની સત્તા મામલતદાર તેમ જ તલાટીને આપી દીધી છે. મેરેજ રજિસ્ટ્રેશન એફિડેવીટની સત્તા પણ જે નોટરીઓ પાસે હતી તે પણ એક નોટિફિકેશન દ્વારા બંધ કરી દેવાઇ છે અને તે માટે પક્ષકારોએ હવે સીધા મેજિસ્ટ્રેટ સમક્ષ જવું પડે છે. સરકારના આવા વિવાદીત અને મનસ્વી નિર્ણયના કારણે આજે પરિસ્થિતિ એ થઇ છે કે, નોટરીઓ પાસે જાણે કોઇ કામ જ રહ્યું નથી, જિલ્લા-તાલુકા કક્ષાના નોટરીઓ તો કામ માટે જાણે વલખાં મારી રહ્યા છે.
શહેરી વિસ્તારમાં સ્ટેમ્પ વિતરણની વ્યવસ્થા ન હોવાથી હાઇકોર્ટ સુધી ધક્કા
આ જ પ્રકારે, કોઇપણ લીગલ નોટરાઇઝ્ડ ડોક્યુમેન્ટ્સ પર 50 રૂપિયાની સ્ટેમ્પ લગાવવી નોટરીઓ તેમજ વકીલો-પક્ષકારો માટે ફરજિયાત હોય છે. વર્ષે દહાડે લાખોની સ્ટેમ્પનો વપરાશ થતો હોય છે અને હજારોની સંખ્યામાં આવા નોટરાઇઝ્ડ એફિડેવીટ્સ, કરાર, કોમર્શીયલ કોન્ટ્રાક્ટ સહિતના દસ્તાવેજો થતાં હોય છે.
એટલું જ નહી, ધી કાંટા ફોજદારી કોર્ટથી લઈ ભદ્ર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી લઈ બધી કોર્ટો પણ શહેર વિસ્તારમાં છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, નોટરીઓ માટે આ સ્ટેમ્પ વિતરણ માટે શહેરી વિસ્તારમાં કોઇ વ્યવસ્થા જ નથી. જેના કારણે નોટરીઓ તેમ જ વકીલો-પક્ષકારોને આવી સ્ટેમ્પ ફરજિયાત લગાવવી પડતી હોઇ તે મેળવવા માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લાંબા થવુ પડે છે. હાઇકોર્ટમાંથી પણ નોટરીઓને મર્યાદિત ટિકિટ અપાય છે., જેના કારણે નોટરીઓને હાઇકોર્ટ સુધીના વારંવારના ધક્કા અને મર્યાદિત ટિકિટની હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ આવ્યું નથી.
કઈ કઈ નોટરીઓની વર્ષો જૂની માંગણીઓ છે…??
વિવિધ પ્રકારના સોગંદનામાં અને દસ્તાવેજોની સત્તા નોટરીઓને પાછી આપો
મેરેજ રજિસ્ટ્રેશન એફિડેવીટની સત્તા પણ જૂની પદ્ધતિ પ્રમાણે નોટરીઓને પરત કરો
નોટરીઓને સરળતાથી અને પૂરતી માત્રામાં ટિકિટો ઉપલબ્ધ કરાવો
નોટરી ટિકિટ મેળવવા ભદ્ર સેશન્સ કોર્ટ, મેટ્રો કોર્ટ અથવા ડિસ્ટ્રીક કોર્ટમાં કાઉન્ટર ઉભા કરો
નોટરીઓ માટે પણ વકીલોની જેમ વિશેષ બેઠક વ્યવસ્થા અને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવો

