NATIONAL : સહારનપુરમાં જિલ્લા કલેક્ટરના પરિસરમાં 115 વર્ષ જૂની મસ્જિદ તોડી પાડવામાં આવતા રોષ

0
3
meetarticle

પશ્ચિમ યુપીના સહારનપુર જિલ્લાના કલેક્ટ્રેટ પરિસરમાં આવેલી એક મસ્જિદ પર કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહીને પગલે ભારે વિવાદ સર્જાયો છે. આ બુલડોઝર કાર્યવાહીના પગલે વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. પોલીસ અને વહીવટી તંત્રના ચુસ્ત બંદોબસ્ત છતાં લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ઘટનાસ્થળે જઈ રહેલાં સપા સાંસદ ઈકરા હસનને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં આગામી થોડા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પહેલા જ મસ્જિદ તોડી પાડવાની આ કાર્યવાહીથી રાજકારણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટીની સાથે કોંગ્રેસે પણ તંત્રની આ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે પણ મસ્જિદ પર બુલડોઝર ચલાવવાની આ કાર્યવાહીને બંધારણના લીરેલીરા ઉડાડનારી કાર્યવાહી ગણાવી છે.

સિટી મેજિસ્ટ્રેટે મસ્જિદને ગેરકાયદે ગણાવી હતી

બીજી તરફ વહીવટી તંત્રનું કહેવું છે કે સિટી મેજિસ્ટ્રેટે ગત મહિને કલેક્ટર કચેરી પરિસરમાં આવેલી મસ્જિદને ગેરકાયદે ગણાવીને તેને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ મુસ્લિમ પક્ષે આ આદેશને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.

ડિસ્ટ્રિક્ટ જજ (DJ) કોર્ટે સિટી મેજિસ્ટ્રેટના આદેશ પર સ્ટે આપ્યો હતો. પરંતુ શુક્રવારે ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટે મુસ્લિમ પક્ષ દ્વારા કરવામાં આવેલા દાવાને ફગાવી દીધો હતો. ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા મસ્જિદ તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી

6 બુલડોઝર મસ્જિદ તોડવામાં લાગ્યા

પ્રાપ્ત માહિતી પ્રમાણે શનિવારે સવારે આશરે 4:00 વાગ્યાથી સહારનપુરના જિલ્લા કલેક્ટર કચેરી પરિસરમાં સ્થિત મસ્જિદને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે 6 બુલડોઝર મસ્જિદને ધ્વસ્ત કરવાના કામમાં લાગેલા છે. મસ્જિદનો એક હિસ્સો અત્યાર સુધીમાં તોડી પડાયો છે. આ કાર્યવાહીને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા અર્થે 200 જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

પોલીસ-પ્રશાસન દ્વારા કોઈ પણ વ્યક્તિને મસ્જિદ નજીક જવા દેવામાં આવી રહી નથી. વહીવટી તંત્રની આ કાર્યવાહીના વિરોધમાં સહારનપુર આવી રહેલાં કૈરાનાના સાંસદ ઈકરા હસનને હાઉસ અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે.

કલેક્ટર કચેરી પરિસરમાં સ્થિત મસ્જિદ સામે ગત વર્ષે કરાઈ હતી ફરિયાદ

આ મસ્જિદ સહારનપુર કલેક્ટર કચેરી પરિસરમાં આવેલી છે, જે લગભગ 3000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. 10 ફેબ્રુઆરી 2025ના રોજ બજરંગ દળના પૂર્વ પ્રાંત સંયોજક વિકાસ ત્યાગીએ આ મસ્જિદને ગેરકાયદે ગણાવીને કલેક્ટર (DM)ને ફરિયાદ કરી હતી. તેમણે મસ્જિદ પરિસરમાં આવેલા ઓરડાઓ અને પોસ્ટ ઓફિસમાંથી ભાડું વસૂલવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ કલેક્ટરે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા, જે તપાસમાં મસ્જિદ ગેરકાયદે હોવાનું સામે આવ્યું હતું.જે બાદ 24 માર્ચ 2025ના રોજ વહીવટી તંત્ર દ્વારા સિટી મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. 16 જુલાઈ 2026ના રોજ કોર્ટે મસ્જિદને ગેરકાયદે ઠેરવીને તેને હટાવવા તેમજ કબજેદારો પાસેથી રૂ. 6.41 કરોડનો દંડ વસૂલવાનો આદેશ આપ્યો હતો અને જગ્યા ખાલી કરવા માટે 30 દિવસની મહોલત આપી હતી.

20 જુલાઈના રોજ મસ્જિદ પક્ષે મેજિસ્ટ્રેટના આ ચુકાદા સામે જિલ્લા અદાલતમાં અરજી કરી હતી. જોકે, 2 સપ્ટેમ્બરના રોજ ડિસ્ટ્રિક્ટ જજ સત્યેન્દ્ર કુમારની કોર્ટે સિટી મેજિસ્ટ્રેટના આદેશને યથાવત રાખતા મસ્જિદ પક્ષની અરજી ફગાવી દીધી હતી.

કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદ બોલ્યા: આ 1911 પહેલાની મસ્જિદ

મસ્જિદ પર બુલડોઝર એક્શનની કાર્યવાહી પર કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે કહ્યું હતું કે, ‘ગઈકાલે આખી રાત અમારા લોકો જાગતા રહ્યા અને અમે સતત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા રહ્યા. અહીં માત્ર મસ્જિદ જમીનદોસ્ત કરવામાં નથી આવી પરંતુ બંધારણના લીરેલીરા ઉડાડવામાં આવ્યા છે. બંધારણ હેઠળ આપવામાં આવેલા અધિકારોને કચડી નાખવામાં આવ્યા છે.’કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું કે, ‘આ મસ્જિદ 1911 પહેલાની છે અને તેની માલિકી આજે પણ વહીદ ખાન યાકુબ ખાનના નામે બોલે છે. તમામ બાબતો સ્પષ્ટ હોવા છતાં સિટી મેજિસ્ટ્રેટે આદેશ આપ્યો અને આદેશમાં 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. હજુ તો 22 દિવસ બાકી હતા. હાઈકોર્ટમાં પણ આ તમામ બાબતોની અવગણના કરવામાં આવી.’ તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ‘રાતોરાત મસ્જિદને ચારેય તરફથી ઘેરી લેવામાં આવી છે. અમે દેશના કાયદાના દાયરામાં રહીને જ કાનૂની લડાઈ લડીશું. કોઈ ધાર્મિક સ્થાન તૂટે તેનાથી બીજો કોઈ વ્યક્તિ ખુશ ન થઈ શકે. આજે સહારનપુરના લોકો માટે કાળો દિવસ છે. અમે આ લડાઈ મજબૂતીથી લડીશું.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here