NATIONAL : હું પહેલા જેટલું કામ કરી શકતો નથી, નવી પેઢીને જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે…’ ગડકરીના નિવેદનથી ખળભળાટ

0
7
meetarticle

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, તેઓ હવે પહેલા જેટલું કામ કરી શકતા નથી અને નવી પેઢીને જવાબદારીઓ સોંપવાનો સમય આવી ગયો છે. નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ કહ્યું કે, જાહેર કામકાજમાં તેમની ઉપસ્થિતિ હાલમાં ઘણી ઓછી થઇ ગઈ છે. તેમણે કહ્યું કે, નવી પેઢીને તક આપવાનો સમય આવી ગયો છે.અહીં તમને બતાવી દઈએ કે, નીતિન ગડકરીની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે મંત્રીમંડળમાં ફેરબદલ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ગડકરીએ જણાવ્યું હતું કે, રોજિંદા કામકાજમાં તેમની સંડોવણી કેવી રીતે ઓછી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે જૂની પેઢીએ હવે નવી પેઢીને કાર્યો સોંપીને તેમને માર્ગદર્શન આપવું જોઈએ. ગડકરીએ સ્વાસ્થ્ય પર પણ ભાર મૂકતા કહ્યું કે, જો વ્યક્તિ સ્વસ્થ હોય તો જ જીવનનો સાચો આનંદ માણી શકે છે. જો વ્યક્તિ સ્વસ્થ ન હોય તો શક્તિ નકામી છે. 2019ની મહામારી પછી તેમની દિનચર્યામાં આવેલા ફેરફારોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેઓ હવે દરરોજ યોગ કરે છે.

નીતન ગડકરીએ કહ્યું, ‘હું છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં સતત કામ કરી રહ્યો છું. આ સમય દરમિયાન, મેં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, અને ઘણી વખત પુરસ્કારો પણ મેળવ્યા છે. પરંતુ હવે હું વધારે કામ કરી શકતો નથી. મને લાગે છે કે હવે નવી પેઢીને કામ કરવાની તક આપવી જોઈએ.’

જોકે, ગડકરીએ તરત જ વિકાસ કાર્ય વિશે વાત કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં વિકાસનો વ્યાપ વધુ વધશે. તેમનો ધ્યેય એ છે કે, મહારાષ્ટ્રનું કોઈ પણ આદિવાસી ગામ વીજળીથી વંચિત ન રહે અને રાજ્યમાં ચોખ્ખો વિકાસ દેખાય.કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું આ નિવેદન BJPમાં મોટા સંગઠનાત્મક પરિવર્તનના થોડા દિવસો પછી આવ્યું છે. ગયા અઠવાડિયે જ, પાર્ટી પ્રમુખ નીતિન નવીનની નવી ટીમ બનાવવામાં આવી હતી. ખાસ વાત તો એ છે કે, આ 65 સભ્યોની ટીમમાં 51 નવા ચહેરાઓનો સમાવેશ થાય છે. આને પાર્ટીમાં પેઢીગત પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. 2015માં અમિત શાહ BJP પ્રમુખ બન્યા પછી તેને પાર્ટી સ્તરે સૌથી મોટો ફેરફાર ગણાવવામાં આવી રહ્યો છે. અને હવે, નીતિન ગડકરીનું નિવેદન આગળના સમયમાં વધુ મોટા ફેરફારોનો સંકેત આપે છે.

BJP સંગઠનમાં થયેલા આ મોટા ફેરફાર પછી, PM નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ અંગે અટકળો તેજ બની છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here