દિલ્હી પોલીસે 17 વિદ્યાર્થિનીઓના જાતીય શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદની ધરપકડ કરી લીધી છે. પોલીસ ટીમે ઉત્તર પ્રદેશના આગ્રાથી ચૈતન્યાનંદની ધરપકડ કરી હતી. વિદ્યાર્થિનીઓના આરોપો બાદથી ચૈતન્યાનંદ ફરાર હતો. છોકરીઓના જાતીય શોષણ ઉપરાંત ચૈતન્યાનંદ પર અનેક આરોપો છે.
નોંધનીય છે કે તાજેતરમાં 17 છોકરીઓએ દિલ્હીના વસંત કુંજ સ્થિત શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના સ્વામી ચૈતન્યાનંદ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે ચૈતન્યાનંદ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. FIR દાખલ થયા પછીથી ચૈતન્યાનંદ ફરાર હતો અને ધરપકડથી બચવા માટે કોર્ટમાં જામીન અરજી પણ દાખલ કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે આરોપો ગંભીર છે અને તેથી પોલીસ માટે આરોપીની પૂછપરછ કરવી જરૂરી છે.

જાતીય શોષણ ઉપરાંત, પોલીસે સ્વામી ચૈતન્યાનંદ સામે નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરવા અને ધર્મનો ઉપયોગ કરીને છેતરપિંડીનો કેસ પણ દાખલ કર્યો છે. આરોપો સામે આવ્યા ત્યારથી દિલ્હી પોલીસ ચૈતન્યાનંદની શોધ કરી રહી હતી. રવિવારે, પોલીસે આરોપી ચૈતન્યાનંદની આગ્રાથી ધરપકડ કરી હતી.
નવ વર્ષ પહેલાં એક વિદ્યાર્થિનીએ સ્વામી ચૈતન્યાનંદ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. નવ વર્ષ પહેલાં આવેલી વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો હતો કે ચૈતન્યાનંદ તેને ખરાબ નજરે જોતો હતો અને તેની સાથે મોંઘી હોટલોમાં જવાનું કહેતા હતા. વધુમાં ઘણી અન્ય છોકરીઓએ આરોપ લગાવ્યો હતો કે સ્વામી ચૈતન્યાનંદે પણ તેમને વિદેશ લઈ જવાનું વચન આપીને લલચાવ્યા હતા. તે તેમને કહેતો હતો કે જો તેઓ તેની વાતો માનશે તો તે તેમને વિદેશમાં અભ્યાસ માટે પૈસા આપશે.

