દેશના વિવિધ રાજ્યોમાં તાપમાનનો પારો તીવ્ર ગતિએ ઊંચો ચઢતાં, ઉનાળાના પ્રારંભથી જ લોકો ગરમીથી તોબા પોકારી ગયાં છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, શનિવારે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોનું તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી કે તેથી વધુ રહેવા પામ્યું હતું. દિલ્હીમાં શનિવાર સીઝનનો સૌથી ગરમ દિવસ રહેવા પામ્યો હતો.
આગામી સમયમાં દેશના વિવિધ ભાગોમાં ગરમી વધવાની આગાહી કરતાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન તથા મધ્ય ભારતના કેટલાંક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ અનુભવાશે અને આ દરમિયાન રાત્રિનું તાપમાન પણ ઊંચુ જશે. શનિવારે દિલ્હીમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે વર્તમાન સીઝનમાં સૌથી વધુ છે.

આ અગાઉ 28 એપ્રિલ, 2022માં દિલ્હીમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તરપ્રદેશના બાંદામાં શનિવારે 47.4 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતાં. પ્રયાગરાજમાં 45.5 ડિગ્રી અને વારાણસીમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હરિયાણા અને પંજાબમાં પણ કાળઝાળ ગરમીથી નાગરિકો પરેશાન થઈ ગયાં હતાં. બંને રાજ્યોમાં તાપમાનનો પારો સામાન્યથી છ ડિગ્રી ઊંચો નોંધાયો હતો. પંજાબના ફરિદકોટમાં દિવસનું તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે હરિયાણાના રોહતકમાં 44.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.
રાજસ્થાનમાં સૌથી વધુ તાપમાન બાડમેરમાં નોંધાયું હતું, દિવસ દરમિયાન ત્યાં તાપમાન 45.7 ડિગ્રીએ સ્પર્શ્યું હતું. હિમાચલ પ્રદેશમાં પણ આગામી દિવસોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની હીટવેવની આગાહી હોવા છતાં હવામાન વિભાગે અહીં 27થી 30 એપ્રિલ દરમિયાન હળવા વરસાદની આગાહી કરી છે.
તાપમાં બહાર નહીં જવા, પૂરતું પાણી પીવા હવામાન વિભાગની સલાહ
દેશના મોટાભાગના રાજ્યોમાં આગામી દિવસોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતાને પગલે હવામાન વિભાગે હીટવેવને લગતી વિગતવાર માર્ગદર્શિકા અને સૂચના જારી કરી છે. હવામાન વિભાગે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને લોકોને શક્ય હોય ત્યાં સુધી તાપમાં ખાસ કરીને બપોરના સમયે બહાર જવાનું ટાળવાની, પૂરતાં પ્રમાણમાં પાણી પીવાની તથા હળવાં અને ખુલ્લાં વસ્ત્રો પહેરવાની સલાહ આપી છે. હવામાન વિભાગે વૃદ્ધો, બાળકો તથા બીમાર લોકોને વિશેષ તકેદારી રાખવાની પણ અપીલ કરતાં જણાવ્યું છે કે, પૂરતી સાવચેતી અને નિવારાત્મક પગલાંથી ગરમીને લગતી બીમારી તથા લૂ લાગવાથી બચી શકાય છે.
વીજળીની માગ 252 ગીગાવાટને પાર
દેશમાં ગરમીનો પારો વધવાની સાથે જ વીજળની ખપતમાં જંગી ઉછાળો નોંધાયો હતો. ગરમીને કારણે એર કંડિશનર સહિતના કૂલિંગ અપ્લાયન્સિસનો વપરાશ વધવાને પગલે ચાલુ સપ્તાહે ભારતની વીજળની માગ 252.07 ગીગાવોટની ઓલ ટાઈમ ઊંચી સપાટીએ સ્પર્શી હતી. અગાઉ મે, 2024માં વીજળીની માગ 250 ગીગાવોટ નોંધાઈ હતી.

