વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 9 જુલાઈ, 2026 ના રોજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહ્યા છે, પરંતુ આ મુલાકાત પહેલા જ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીને ઓસ્ટ્રેલિયામાં જાનથી મારી નાખવાની ઓનલાઈન ધમકી મળી છે. આ ઘટનાને પગલે ઓસ્ટ્રેલિયન સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર આવી ગઈ છે અને મેલબોર્ન પોલીસે તાત્કાલિક એક્શન લેતા આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.
‘અબુ મુસ્તફા’ નામના એકાઉન્ટથી મળી ધમકી
મળતી માહિતી મુજબ, ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલા માર્વેલ સ્ટેડિયમમાં પીએમ મોદી માટે “મેલબોર્ન મીટ્સ મોદી” નામનો એક ભવ્ય કોમ્યુનિટી કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમના પ્રચાર માટે ફેસબુક પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટની નીચે “અબુ મુસ્તફા” નામના એક ફેસબુક એકાઉન્ટ પરથી કમેન્ટ કરીને પીએમ મોદીને સીધી ધમકી આપવામાં આવી હતી. આ કમેન્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, “કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમની છત બંધ રાખવી જોઈએ, નહીં તો તે પોતાના મોત માટે ઓસ્ટ્રેલિયા આવી રહ્યો છે.
“IP એડ્રેસ ટ્રેસ, પોલીસની સઘન તપાસ શરૂ
આ ભયજનક પોસ્ટ સામે આવતાં જ મામલો ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (AFP) ને સોંપી દેવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓએ ગણતરીના સમયમાં જ આ શંકાસ્પદ સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાયેલું IP એડ્રેસ શોધી કાઢ્યું છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટિપ્પણી પાછળ ખરેખર કોનો હાથ છે અને તેનો મુખ્ય ઇરાદો શું છે. આ ઉપરાંત, આ કેસમાં કોઈ ફોજદારી કાયદાઓનો ભંગ થયો છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ
જોકે, ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો જણાવે છે કે ઓસ્ટ્રેલિયાની સુરક્ષા એજન્સીઓ કોઈપણ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષને મળતી આવી ધમકીને ખૂબ જ ગંભીરતાથી લે છે. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ, રાજ્ય પોલીસ અને વિશેષ સુરક્ષા ટુકડીઓ સુરક્ષાનો મોરચો સંભાળશે.
પીએમ મોદી આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેવાની સાથે વિશાળ ભારતીય સમુદાયને પણ સંબોધિત કરવાના છે. આથી, તેમના તમામ કાર્યક્રમો માટે સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે.

