રાજધાની દિલ્હીમાં મણિપુરના સંગીતકાર તેમજ ગિટારિસ્ટ સી. વિક્રમસિંહની ટોળાએ ઢોર માર મારીને હત્યા કરી નાખી હતી. સી. વિક્રમસિંહે ઘરની બહાર ભારે ઘોંઘાટનો વિરોધ કર્યો હતો, બે ઢાબા સાથે જોડાયેલા લોકોએ બાદમાં સી. વિક્રમને ઢોર માર માર્યો હતો. જેને પગલે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જોકે આ ઘટના બાદ દિલ્હીમાં પૂર્વોત્તરના લોકોની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠયા છે.
રવિવારે સાત્રે ૧૧.૩૦ વાગ્યે સી. વિક્રમસિંહ પોતાના એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે કચરો નાખવા માટે ઉતર્યા હતા, આ દરમિયાન તેમણે જોયું કે નીચે બે ઢાબા પર કામ કરતા કેટલાક લોકો ભારે અવાજ કરી રહ્યા હતા. વિક્રમસિંહે તેમને ટોક્યા અને ઘોંઘાટ ના કરવા કહ્યું હતું. જે બાદ બન્ને વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી. જોકે વિક્રમસિંહ પોતાના ઘરે પરત ફરવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને પકડીને ઢોર માર મારવામાં આવ્યો હતો.

આ હુમલામાં આઠ લોકો સામેલ હતા જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. પોલીસે તમામની ધરપકડ કરી છે. વિક્રમસિંહ ત્રીજા માળે ફ્લેટમાં પત્ની અને એક પુત્રની સાથે રહેતા હતા.
આ ઘટના દિલ્હીના કિલોકરી ગામમાં સામે આવી હતી, જ્યાં બાદમાં આશરે ૧૦૦થી વધુ લોકો એકઠા થયા હતા અને આ હત્યાકાંડનો તેમજ પૂર્વોત્તરના નાગરિકો પર હુમલાનો વિરોધ કર્યો હતો. સી. વિક્રમસિંહ છેલ્લા ૧૭ વર્ષથી દિલ્હીમાં મ્યૂઝિક ટીચર તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ સારા મ્યૂઝિક ટીચર અને ગિટારિસ્ટ પણ હતા. આ ઘટના બાદ દિલ્હીમાં પૂર્વોત્તરના નાગરિકોની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે સાથે જ ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમા ભડક્યા હતા અને કહ્યું હતું કે દિલ્હીમાં પૂર્વોત્તરના નાગરિકો પર થતા અત્યાચારોની આ ઘટનાને યાદ અપાવી દીધી. જ્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે આ હત્યાકાંડમાં માત્ર આઠથી નવ દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે અને ઝડપથી આરોપીઓને સજા થશે તેવી મને દિલ્હી પોલીસે ખાતરી આપી છે.

