Air India Emergency Landing : જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાનનું જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાન હાઇજેક થયાની આશંકાને પગલે તેને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. જોકે, સુરક્ષા એજન્સીઓની તપાસ બાદ હાઇજેકિંગની માહિતી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2030 અંગે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને સવારે 9:05 વાગ્યે ઇમરજન્સી એલર્ટ મળ્યું હતું. ત્યારબાદ વિમાનને જયપુર તરફ ડાયવર્ટ કરીને ત્યાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ વિમાને ગત રાત્રે 10:45 વાગ્યે ઉડાન ભરી હતી.
એરપોર્ટ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા
વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ બાદ જયપુર એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. એરપોર્ટના સુરક્ષા પ્રોટોકોલ મુજબ જયપુર પોલીસની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ અને અન્ય સુરક્ષા ટીમો તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી હતી. રાજસ્થાન પોલીસના એડીજી સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

પાઇલટે સ્ક્વોક કોડ 7500નો ઉપયોગ કર્યો
પ્રાથમિક માહિતીના આધારે એક સૂત્રએ જણાવ્યું હતું કે, જ્યારે વિમાન મુંબઈ ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજન (FIR)માં હતું, ત્યારે પાઇલટે ‘સ્ક્વોક કોડ 7500’નો ઉપયોગ કર્યો હતો. આ કોડનો ઉપયોગ વિમાનમાં ગેરકાયદેસર હસ્તક્ષેપ અથવા હાઇજેકિંગ જેવી પરિસ્થિતિનો સંકેત આપવા માટે કરવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બોઇંગ 787-9 વિમાન દ્વારા સંચાલિત એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2030નું જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરક્ષા તપાસ માટે વિમાનને આઇસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું હતું.
બોમ્બની ધમકી મળ્યાની પણ માહિતી
માલવીય નગરના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ શિવ દયાલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, એરપોર્ટના અધિકારીઓએ પોલીસને ફ્રેન્કફર્ટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગ અંગે જાણ કરી હતી. બોમ્બની ધમકી મળ્યા બાદ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષાના કારણોસર વિમાનને જયપુર તરફ વાળવામાં આવ્યું હતું. જોકે, વિમાનમાં કેટલા મુસાફરો સવાર હતા તેની તાત્કાલિક માહિતી મળી શકી નહોતી. આ સમગ્ર ઘટના અંગે એર ઇન્ડિયાના સત્તાવાર નિવેદનની રાહ જોવામાં આવી રહી છે.

