નવી દિલ્હી : નીટ -યુજી પેપર લીક પછી પરીક્ષાઓમાં સુધાર માટે રચાયેલ હાઇ પાવર કમિટીનાં પ્રમુખ અને યુઆઇડીએઆઇનાં પૂર્વ ચેરમેન નંદન નીલેકણીએ જણાવ્યું હતું કે પેપર લીકની સમસ્યાને ટેકનિકની મદદથી સુનિયોજિત રીતે સમાપ્ત કરી શકાય છે.
તેમણે જણાવ્યું છે કે અગાઉથી પ્રશ્ર પત્ર કરવાને બદલે પરીક્ષાના દિવસે અંતિમ સમયે એઆઇની મદદથી તે દિવસ માટેનું જ પ્રશ્ર પત્ર તૈયાર કરવામાં આવે. જો અગાઉથી પ્રશ્ર પત્ર બનશે જ નહીં તો લીક થવાનો પ્રશ્ર જ રહેશે નહીં.
જો કે આ માટે તેમણે એક વિશાળ પ્રશ્ર બેંક તૈયાર કરવા જણાવ્યું છે. પરીક્ષા સુધાર અંગે તેમનો રિપોર્ટ ૨૮ ઓક્ટોબર સુધીમાં સુપ્રત કરવામાં આવી શકે છે. પેપર લીકની સમસ્યા દૂર કરવા માટે ટેકનિકનો ઉપયોગ કરવો જરૂરી છે.

નીટ પેપર લીકની ઘટના પછી વડાપ્રધાનનાં નિર્દેશ પર રચવામાં આવેલી હાઇ પાવર કમિટીનાં પ્રમુખ નિલેકણીએ જણાવ્યું હતું કે તમામ પરીક્ષાઓ કોમ્પ્યુટર દ્વારા કરાવવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
આ માટે પરીક્ષા કેન્દ્રોનાં નેટવર્કનું વિસ્તરણ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. દેશની ૧.૫ લાખ સંસ્થાઓમાં આ નેટવર્ક ઉભુ કરી શકાય તેમ છે. જ્યાં વિદ્યાર્થીઓ સીબીટી મોડમાં પરીક્ષા આપી શકે છે. આ માટે વિવિધ સંસ્થાઓ પાસેથી વિગતો માંગવામાં આવી રહી છે.

