NATIONAL : મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડથી અરેરાટી, રાત્રે દારૂ પીધા બાદ 9 લોકોના મોત, 4 ગામમાં માતમ છવાયો

0
3
meetarticle

મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં લઠ્ઠાકાંડની એક અત્યંત દુઃખદ અને આંચકાજનક ઘટના સામે આવી છે. અહીં ઝેરી અને ગેરકાયદેસર દારૂ પીવાના કારણે ચાર અલગ-અલગ ગામોના 9 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવી ગયું છે.

શનિવારની રાત્રે પીધો હતો દારૂ

મળતી માહિતી મુજબ, સાગર જિલ્લાના ઘૂઘર, નૌરાજ, બરાજ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકોએ શનિવારે રાત્રે દારૂનું સેવન કર્યું હતું. દારૂ પીધાના થોડા સમય બાદ જ લોકોની તબિયત અચાનક લથડવા લાગી હતી. પરિજનો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય તે પહેલા જ પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી.

હોસ્પિટલમાં દાખલ કરતા જ મૃત જાહેર કરાયા

રવિવારે સવારે તમામ અસરગ્રસ્તોને બંડા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરોએ 9 લોકોને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરોનું માનવું છે કે મૃત્યુનું પ્રાથમિક કારણ ઝેરી દારૂ જ છે. આ ઘટનામાં હજુ પણ કેટલાક લોકોની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

ઘરે-ઘરે સ્ક્રીનિંગ અને પ્રશાસનની અપીલ]

ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટર પ્રતિભા પાલે લોકોને ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિએ છેલ્લા 24 થી 48 કલાકમાં દારૂ પીધો હોય અથવા કોઈ પણ અસામાન્ય લક્ષણ દેખાય, તો તેમણે તુરંત જ તબીબી તપાસ કરાવવી જોઈએ. હાલમાં એસડીએમ (SDM) અને ડોક્ટરોની ટીમ અસરગ્રસ્ત ગામોમાં ઘરે-ઘરે જઈને લોકોનું સ્ક્રીનિંગ કરી રહી છે.

ગુજરાતના ભાવનગરમાં પણ બન્યો હતો આવો જ બનાવ

આ અગાઉ ગુજરાતના ભાવનગર જિલ્લામાં પણ ઝેરી દારૂ પીવાના કારણે 13 લોકોના મોત થયા હતા. તે કેસની તપાસ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 39 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે કોન્સ્ટેબલ મુખ્ય આરોપીના સંપર્કમાં હતો અને તેને મદદ કરી રહ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here