કહેવાય છે માણસનો દિવસ ફરે છે ત્યારે છતાં દિવસે અંધારુ છવાય છે. ઇરાનની સ્થિતિ આજે એવી છે. વર્ષો સુધી અમેરિકાના આર્થિક પ્રતિબંધો અને તાજેતરમાં અમેરિકા સાથે યુદ્ધ કર્યા પછી ઇરાન કંગાળ બની ગયું છે. એક સમયે વિશ્વના મોટાભાગના દેશોને ક્રૂડનો પુરવઠો પૂરુ પાડતુ ઇરાન પોતે આજે પેટ્રોલ માટે વલખા મારી રહ્યુ છે. ઇરાન પાસે ફક્ત બે મહિના સુધી ચાલે તેટલો જ પેટ્રોલનો પુરવઠો છે.
અમેરિકાએ વ્યૂહાત્મક હુમલા કરીને ઇરાનની ઓઇલ પ્રોસેસ કરતી રીફાઇનરીઓને ધ્વસ્ત કરી નાખી છે. તેથી ઇરાન પાસે ઓઇલનું પ્રોસેસિંગ કરીને તેની નિકાસ કરવાની ક્ષમતા જ રહી નથી. બીજી બાજુએ ઇરાનનું ઓઇલ લઈ જતાં ટેન્કરોેને અમેરિકા આગળ વધવા દેતું નથી, તેને નિષ્ક્રીય કરી દે છે. આમ અમેરિકાએ ઇરાનની બરોબરની લશ્કરી અને આર્થિક ઘેરાબંધી કરી છે. ઇરાન પાસે પોતાની જ નુકસાન પામેલી ઓઇલ રિફાઇનરીઓનું રિપેરિંગ કરાવવાના નાણા નથી. આજે તેની સ્થિતિ તેના જ સહયોગી રશિયા જેવી થઈ છે. ઇરાને પણ રશિયાની જેમ પેટ્રોલની આયાત કરવાની ફરજ પડી રહી છે. છેલ્લા કેટલાક દાયકામાં પ્રતિબંધોનો સામનો કરીને પણ ઇરાન ફ્રન્ટ કંપનીઓ, બેનામી ટેન્કરો અને દાણચોરીના નેટવર્ક દ્વારા ઓઇલ પુરવઠો વિશ્વમાં પૂરો પાડી કમાણી કરતુ હતુ. હવે તેનાથી આ પણ થઈ શકે તેમ નથી. ઇરાન પાસે વિદેશી ચલણનો ભંડાર પણ ખતમ થઈ ગયો છે. અમેરિકાની નાકાબંધીની અસર સીધી ઇરાનની સામાન્ય પ્રજા પર પડી રહી છે. રિયાલની કિંમત પ્રતિ ડોલર ૨૨ લાખ થઈ ગઈ છે, જે ગયા વર્ષે ૧૦ લાખ રિયાલ હતી. ખાવાપીવાની ચીજોનો ભાવ અને જીવન જરુરી ચીજવસ્તુનો ભાવ બમણો થઈ ગયો છે. મોંઘવારીનો દર ૭૦ ટકાએ પહોંચી ગયો છે. બેરોજગારી ૯.૧ ટકા છે. તહેરાનમાં એક ખાનગી ક્ષેત્રના કર્મચારીએ જણાવ્યું હતું કે દરેક પસાર થતાં દિવસ સાથે અમે વધુને વધુ ગરીબ થઈ રહ્યા છીએ. આમ ભૂખમરા અને ઇંધણની અછતના લીધે ઇરાન પાસે હવે અત્યંત મર્યાદિત વિકલ્પો બચ્યા છે.
અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ પણ કહી ચૂક્યા છે કે ઇરાન સંઘર્ષ આ વર્ષના અંત સુધીમાં ખતમ થઈ જશે. અમેરિકાએ ઇરાન પર વ્યૂહાત્મક હુમલા સાથે તેની આકરી નાકાબંધી કરી છે અને તેને મદદ કરવા સામે વિશ્વના દેશોને આકરી ચેતવણી આપી છે. ચીન જેવું ચીન પણ અમેરિકા સાથે સહયોગ કરી રહ્યું છે. યુએઈ જેવા દેશે પણ ઇરાન સાથેના આર્થિક સંબંધ તોડી નાખતા ઇરાનને ફટકો પડયો છે. હાલમાં ઇરાનના કોઈની સાથે આર્થિક સંબંધ નથી.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તો ઇરાન સાથેના યુદ્ધને યુદ્ધ ગણવાનો પણ ઇન્કાર કરી દીધો છે. તેઓએ આને ફક્ત લશ્કરી સંઘર્ષ ગણાવ્યો છે. જાણે બટાટાને મસળી નાખતા હોય તેવી વાત છે. તેમણે જણાવ્યું હતું કે હું ઇરાન સાથેના યુદ્ધને યુદ્ધ નહીં પણ એક સામાન્ય લશ્કરી સંઘર્ષ માનું છું. અમે અગાઉના યુર્દ્ધમાં હજારો જવાનોને ગુમાવ્યા હતા, તેની તુલનાએ તો આ સંઘર્ષ કશું જ નથી. અત્યાર સુધીમાં અમારા ફક્ત ૧૮ જવાનના જ મૃત્યુ થયા છે. જ્યારે વિયેતનામ યુદ્ધમાં અમે એક લાખ સૈનિક ગુમાવ્યા હતા. આ સિવાય આ યુદ્ધમા ૩૭.૫ અબજ ડોલરની જંગી રકમ ખર્ચાઈ તેના અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાના બીજા યુદ્ધો, લશ્કરી આક્રમણોની વાત કરીએ તો તેની તુલનાએ આ ઘણી ઓછી રકમ છે. હોર્મુઝ પર ઇરાને કબ્જો જમાવ્યો, તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, અમે આ માર્ગ મોટાભાગે ખોલી જ દીધો છે તેમ કહી શકાય. ઇરાને હોર્મુઝ પર લગભગ તેનું નિયંત્રણ ગુમાવી દીધું છે. આ સપ્તાહમાં જ અમે વિવિધ ટેન્કરો દ્વારા ૧.૮ કરોડ બેરલ ઓઇલ વૈશ્વિક બજારમાં ઠાલવવામાં સફળતા મેળવી હતી. અમે ઇરાનને પંગુ કરી નાખ્યું છે.
આ દરમિયાન અમેરિકાએ ખાર્ગ દ્વીપ પાસે ઇરાનના ઓઇલ ટેન્કર પર હુમલો કર્યો છે. અમેરિકાએ એક પછી એક ચાર મિસાઇલ છોડયા. આ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઇરાનની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ખાર્ગ દ્વીપની જોડે ઇરાનના એક ટેન્કર પર અમેરિકાની ચાર મિસાઇલ ત્રાટકી અને હવે તેને ખાલી કરવામાં આવી રહ્યુ છે. બીજી બાજુએ હુથીઓનું કહેવું છે કે યમનના સરકારી દળોના હુમલામાં ત્રણના મોત થયા છે.

