મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલા ત્રણ અત્યંત મહત્ત્વના વિધેયકોને લઈને લોકસભામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે થયેલા પ્રાથમિક મતદાનમાં જે આંકડા સામે આવ્યા છે તેણે સરકારની ચિંતામાં વધારો કર્યો છે. આજે સાંજે 4 વાગ્યે થનારું અંતિમ મતદાન નક્કી કરશે કે આ ઐતિહાસિક સુધારો પસાર થશે કે કેમ.

રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા
કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંસદ પહોંચી ગયા છે. તેઓ આજે મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલ પર ચાર વાગ્યે મતદાન થાય એ પહેલા સંસદને સંબોધી શકે છે. જોકે તે પહેલા વિપક્ષના નેતાઓ જેમા ખાસ તો પ્રિયંકા ગાંધી, કે. સી. વેણુગોપાલ સહિત અન્ય નેતાઓએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે બેઠક કરી રહ્યા છે.
શરૂઆતી વોટિંગમાં સરકારને ઝટકો?
આ વિધેયકો ગુરુવારે રજૂ કરાયા, ત્યારે થયેલા ડિવિઝનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સદનમાં હાજર 436 સાંસદોમાંથી 185 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું છે, એટલે કે, લગભગ 42% સાંસદો શરૂઆતી તબક્કે જ સરકારની સાથે દેખાયા નથી. બંધારણીય સુધારા માટે સરકારને બે-તૃતિયાંશ (2/3) બહુમતીની જરૂર છે, જે હાલના સંજોગોમાં પડકારજનક દેખાઈ રહી છે.
શું છે બહુમતીનું ગણિત?
લોકસભાની હાલની સ્થિતિ જોતાં સરકાર માટે આંકડાકીય લક્ષ્ય આ મુજબ છે:
ગૃહની પ્રભાવી સંખ્યા: 540
જરૂરી સમર્થન (2/3 બહુમતી): ઓછામાં ઓછા 360 સાંસદો
જો વિપક્ષ પોતાની એકતા જાળવી રાખે અને તૃણમૂલ કોંગ્રેસના વધુ 20 સાંસદો આજે મતદાનમાં જોડાય, તો સરકાર માટે 360નો આંકડો મેળવવો મુશ્કેલ બની શકે છે.
સાંજે 4 વાગ્યે ડિવિઝન કેવી રીતે થશે વોટિંગ?
સામાન્ય રીતે પ્રસ્તાવો ધ્વનિ મતથી પસાર થતા હોય છે, પરંતુ આ વિધેયકો પર વિવાદ હોવાથી ઓટોમેટિક વોટ રૅકોર્ડર સિસ્ટમ દ્વારા મતદાન થશે. જેમાં સાંસદોએ ‘હા’, ‘ના’ અથવા ગેરહાજરના વિકલ્પ પસંદ કરવાના રહેશે. તમામ રાજકીય પક્ષોએ પોતાના સાંસદોને વ્હીપ (Whip) જારી કરીને હાજર રહેવા આદેશ આપ્યો છે.
તૃણમૂલની એન્ટ્રીથી વિપક્ષ મજબૂત
ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદોની હાજરી મર્યાદિત હતી, પરંતુ આજે મમતા બેનર્જીની પાર્ટીના આશરે 20 સાંસદો દિલ્હી પહોંચી મતદાનમાં ભાગ લે તેવી શક્યતા છે. આ વધારાના મતો વિપક્ષના પલડાને ભારે કરશે.

