વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (13 સપ્ટેમ્બર) મણિપુર પહોંચી ગયા છે. અહીંથી તેઓ ચુરાચંદપુર જવા રવાના થયા છે. જ્યાં તેમણે અને ઇમ્ફાલમાં આંતરિક રીતે વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરશે. 2 વર્ષ પહેલાં રાજ્યમાં ભડકેલી જાતીય હિંસા પછી મોદીની મણિપુરની આ પહેલી મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન, તેમણે 8,500 કરોડ રૂપિયાના 31 વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે જાતીય સંઘર્ષ પછી મણિપુરની મુલાકાત ન લેવા બદલ વિપક્ષી પક્ષો દ્વારા વારંવાર ટીકા વચ્ચે વડાપ્રધાનની આ મુલાકાત થઈ રહી છે. મે 2023થી આ જાતીય સંઘર્ષમાં 260થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને હજારો લોકો બેઘર થયા છે.
મુખ્ય સચિવ ગોયલે કહ્યું હતું કે, ‘શાંતિ એટલે માત્ર હિંસાનો અભાવ જ નહીં, પરંતુ વિશ્વાસ, સદ્ભાવ અને સમાધાન પણ જરૂરી છે. આ પ્રકારે, વડાપ્રધાન મોદીની મણિપુરની મુલાકાતથી રાજ્યમાં શાંતિ, સામાન્ય સ્થિતિ અને વિકાસનો માર્ગ મોકળો કરશે. વડાપ્રધાન 13 સપ્ટેમ્બરે આઈઝોલથી મણિપુર પહોંચશે.’

આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, મોદી ચુરાચંદપુર અને ઇમ્ફાલમાં આંતરિક રીતે વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરશે અને બે રેલીઓને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલ એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મણિપુરના સમાવેશી, ટકાઉ અને સર્વાંગી વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, વડાપ્રધાન મોદી ચુરાચંદપુરમાં 7,300 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.’
મણિપુર કોંગ્રેસના પ્રમુખ કેશમ મેઘચંદ્રે આરોપ લગાવ્યો હતો કે, જાતીય હિંસાગ્રસ્ત રાજ્યમાં મોદીની મુલાકાત ફક્ત પ્રતિકાત્મક છે. તેનો હેતુ શાંતિ સ્થાપિત કરવાનો અને ન્યાય સુનિશ્ચિત કરવાનો નથી. રાજ્ય સરકાર મણિપુરના પહાડી અને ખીણ બંને વિસ્તારોના લોકોના રાજ્યમાં શાંતિ અને સામાન્યતા પુનઃસ્થાપિત કરવા તરફ સફળતાપૂર્વક આગળ વધવાના પ્રયાસોની પ્રશંસા કરે છે. બધા પક્ષોના સંયુક્ત પ્રયાસોથી રાજ્યમાં ધીમે ધીમે પરંતુ શાંતિપૂર્ણ રીતે સ્થિરતા અને સુરક્ષા આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી ચુરાચાંદપુરના પીસ ગ્રાઉન્ડથી 7300 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાની આધારશિલા મૂકશે, જ્યાં કુકી બહુસંખ્યક રહે છે. વડાપ્રધાન મોદી મેઇતૈ વસ્તી ધરાવતા ઇમ્ફાલથી 1200 કરોડ રૂપિયાના માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.
મણિપુરમાં મોદીના આ કાર્યક્રમના હોર્ડિંગ પણ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ ઇમ્ફાલથી એક પ્રમુખ સ્થાન, કેશમપટ જંક્શન પર લગાવવામાં આવ્યું છે, જે ભાજપ મુખ્યાલયની નજીક છે. રાજ્યમાં આવા બીજા પણ હોર્ડિંગ લગાવવામાં આવે તેવી આશંકા છે. મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન. બીરેન સિંહના રાજીનામા બાદ ફેબ્રુઆરીથી અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.
નોંધનીય છે કે, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન તંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જે મુજબ, 13 સપ્ટેમ્બરે પીસ ગ્રાઉન્ડ ખાતે આયોજિત VVIP કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોને ચાવી, પેન, પાણીની બોટલ, બેગ, રૂમાલ, છત્રી, લાઇટર, મેચબોક્સ, કાપડના ટુકડા, કોઈપણ તીક્ષ્ણ વસ્તુઓ અથવા શસ્ત્રો અને દારૂગોળો ન લાવવા માટેની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જોકે, આ એડવાઇઝરીમાં વડાપ્રધાનના નામનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તેમજ જનતાને સલાહ આપવામાં આવી છે કે, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને બીમાર વ્યક્તિઓને કાર્યક્રમ સ્થળ પર લાવવાનું ટાળવું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલા ઇમ્ફાલ અને ચુરાચાંદપુર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય સુરક્ષા અધિકારીઓની એક ટીમ પણ ચુરાચાંદપુર પહોંચી ગઈ છે. પોલીસ અને અર્ધ લશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને પીસ ગ્રાઉન્ડ તરફના રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યા છે.

