કથિત ખ્યાતિ કાંડમાં ઝડપાયેલા બે આરોપીઓએ કેસમાંથી મુક્ત થવા માટે ગ્રામ્ય કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે.
આ અરજીને કારણે આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરવાની પક્રિયા હાલ પૂરતી અટકી ગઈ છે. આ ઘટનાક્રમ કેસની ગતિવિધિઓને ધીમી પાડી રહ્યો છે. આરોપીઓ રાજશ્રી કોઠારી અને રાહુલ જૈને આ અરજી દાખલ કરી છે. તેમના વકીલોનું કહેવું છે કે, પોલીસ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ તેમને કેસ સાથે સીધી રીતે જોડતા નથી, જેથી તેમને આ કેસમાંથી મુક્ત કરવા જોઈએ.
ખ્યાતિ કાંડના બે આરોપીએ કોર્ટમાં કરી ડિસ્ચાર્જ અરજી
આ ડિસ્ચાર્જ અરજી પર આગામી દિવસોમાં ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી થશે. કોર્ટ આ અરજીનો સ્વીકાર કરે છે કે નહીં, તે જોવું મહત્વનું રહેશે. જો કોર્ટ અરજી સ્વીકારે તો આરોપીઓને કેસમાંથી મુક્ત કરી દેવામાં આવશે, જ્યારે અરજી રદ થાય તો તેમની સામે ચાર્જ ફ્રેમ કરીને કેસની નિયમિત સુનાવણી આગળ વધશે. આ અરજી દાખલ થવાથી કેસની કાનૂની ગૂંચવણો વધી છે, જેના કારણે ભોગ બનનાર પરિવારો માટે ન્યાયની રાહ લંબાઈ શકે છે.
કોર્ટ નક્કી કરશે કે અરજી સ્વીકારવી કે નહીં
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને એનક લોકોની ધરપકડ પણ થઇ હતી. પરંતુ, ડિસ્ચાર્જ અરજી દાખલ થવાથી કેસ એક નવા વળાંક પર આવી ગયો છે. હવે કોર્ટનો નિર્ણય જ સ્પષ્ટ કરશે કે, આ કેસમાં આરોપીઓની ભૂમિકા સાબિત થશે કે પછી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવશે. આ મામલે કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે, આ પ્રકારની અરજીઓ કેસને લાંબા સમય સુધી ખેંચી શકે છે જે કાનૂની પ્રક્રિયાનો ભાગ છે.


