વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફનો જડબાતોડ જવાબ આપ્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારત તેના ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયા સાથે તેલ વેપાર માટે ભારત પર વધારાના 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આ વધારાના 25 ટકા ટેરિફ સાથે અમેરિકાએ હવે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ગયા અઠવાડિયે ભારતમાંથી આયાત થતા માલ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે તેઓ રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર અલગ દંડ લાદશે. ત્યારબાદ તેમણે બુધવારે રશિયા સાથે વેપાર કરવા બદલ અલગ દંડ તરીકે ભારત પર અલગ 25 ટકા ટેરિફ લાદ્યો હતો.
ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક પરિષદમાં ભાગ લેતા કહ્યું હતું કે ખેડૂતોનું હિત ભારતની ટોચની પ્રાથમિકતા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. પીએમ મોદીએ કોન્ફરન્સમાં કહ્યું હતું, “જો મારે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે કિંમત ચૂકવવી પડે તો હું તેના માટે તૈયાર છું.”


