NATIONAL : ઉત્તરાખંડમાં વધશે વરસાદનું જોર, રેડ એલર્ટ જાહેર, કેદારનાથ યાત્રા સ્થગિત

0
65
meetarticle

ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં વાદળ ફાટવાની ઘટના બાદ ઉત્તરાખંડમાં કુદરતી આફતોની સ્થિતિ ગંભીર બનતી જઇ રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે પ્રદેશના અનેક ભાગોમાં બુધવારે ભારેથી અતિ ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

અહીં વરસશે ભારે વરસાદ

બાગેશ્વર, કોટદ્વાર, ઉત્તરકાશી સહિતના વિસ્તારોમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. સ્થિતિ જોતા તંત્રએ કેદારનાથ યાત્રાને આજે અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તીર્થ યાત્રીઓની સુરક્ષાને લઇને આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઇ છે. જો કે સેના દ્વારા 130 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘટનામાં અનેક લોકો ગુમ થયા હોવાનું પણ સામે આવ્યું છે. એસડીઆરએફ, એનડીઆરએફ અને સેનાની ટીમ રાહત અને બચાવ કાર્યમાં જોડાઇ છે.

સેના રેસક્યુ કામગીરીમાં જોડાઇ

ધરાલીમાં સેનાના 80 જવાનો રેસ્ક્યુ કાર્યમાં જોડાયા છે. હાલ પણ રેસક્યુની કામગીરી ચાલી રહી છે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે સાવધાની રાખે. બિનજરૂરી યાત્રા ન કરે. ભારે વરસાદને કારણે અનેક રસ્તા પર ભૂસ્ખલનને કારણે કાટમાળ ભેગો થઇ ગયો છે પરિણામે રોડ રસ્તા પણ બંધ થઇ ગયા છે.

જવાનો પણ ગુમ થયાની આશંકા

ધરાલીમાં આવેલા પૂરથી પવિત્ર ગંગોત્રી ધામના તમામ રસ્તાઓ તુટી ગયા છે અને આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે અને ઘણી એજન્સીઓને ઈમરજન્સી મદદ માટે મોકલવામાં આવી છે. હરી શિલા પર્વત સ્થિત સાત તાલ વિસ્તારથી ખીરગંગા આવે છે અને જ્યાં વાદળ ફાટ્યું છે, તેની બાજુમાં ધરાલી વિસ્તાર છે. સામેની બાજુએ હર્ષિલનો તેલ ગાટમાં આર્મી કેમ્પ છે. આ દુર્ઘટનાના સમયે ધરાલીમાં સ્થાનિકો અને મુસાફરોને જોડીને 200થી વધારે લોકો હાજર હતા. આ આર્મી કેમ્પ પણ પાણીની ઝપેટમાં આવ્યો છે. ઘણા જવાનો પણ દુર્ઘટનામાં ગુમ થયા હોવાની આશંકા છે. હર્ષિલમાં સેનાની 14 યૂનિટની તૈનાતી છે.

હેલિકોપ્ટર દ્વારા પણ બચાવ કામગીરી

આ સિવાય ઉત્તરકાશીથી 18 કિલોમીટર દૂર નેતલામાં પણ લેન્ડ સ્લાઈડ થવાથી ધરાલી વિસ્તાર સુધી પહોંચી શકાય તેમ ન હતું. બીજી તરફ હર્ષિલમાં નદીના કિનારા પાસે બનેલું હેલિપેડ પણ પાણીમાં વહી ગયુ.. ભારે વરસાદના કારણે હેલિકોપ્ટર દ્વારા પણ બચાવ કામગીરી થઈ શકતી નથી. હર્ષિલ વિસ્તારમાં ખીરગઢમાં પુરથી તબાહી વધી ગઈ અને તેના કારણે ઉત્તરકાશી પોલીસ, NDRF, SDRF સેના અને અન્ય બચાવ ટીમે રાહત કામગીરી શરૂ કરી દીધી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here