સાધુ વાસવાણી રોડ પર સાધુ વાસવાણી સ્કૂલની સામે આવેલા ગાર્ડન કોર્મશિયલ કોમ્પલેક્ષનાં બીજા માળે આવેલી ઓફિસમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ત્રીજા અને ચોથા માળે ફસાયેલા આઠેક લોકોને સલામત રીતે બહાર કાઢયા હતા.

બીજા માળે પરિશ્રમ અર્થ મુવર્સ નામની જેસીબી અને ક્રેઈન ભાડે આપતી ઓફીસ છે. જયાં બપોરે આગ ભભૂકી ઉઠતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ચારેક ફાયર ફાઈટરો સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. ચાલીસેક મિનિટ પાણીનો મારો ચલાવાયા બાદ આગ કાબુમાં આવી હતી. ત્રીજા અને ચોથા માળે આઠેક જણા ફસાઈ ગયાની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તમામને સલામત રીતે બહાર કાઢયા હતા.
જાણ થતાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અને સ્થાનિક પોલીસના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું કે બીજા માળે આવેલી લોબીમાં એસીના યુનિટમાં ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી. જ્યાં આગ લાગી તે ઓફિસનું ફર્નિચર, ડોકયુમેન્ટસ, દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા છે.
સંભવતઃ ગમે તે કારણસર એસીના યુનિટમાં બ્લાસ્ટ થયો હતો. જેને કારણે આગ ભભૂકી ઉઠી હતી. જેણે થોડા સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસના લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની મદદ લેવાઈ છે. જયાં આગ લાગી તે માળની લોબીમાં આવેલા ચારેક એસી યુનિટ પણ સળગી ગયા હતા.

