રાજય સરકાર સમક્ષ આંગણવાડીના મહિલા કાર્યકરો દ્વારા અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં આજ સુધી પગાર સહિતના પ્રશ્નોના ઉકેલ નહીં આવતા આજરોજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જૂદાજૂદા જિલ્લાના આંગણવાડી મહિલા કાર્યકરોની વિશાળ રેલી રાજકોટમાં નીકળી હતી. અહી જયુબિલીથી દેખાવો અને સુત્રોચ્ચાર સાથે રેલી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી. જયાં આવેદનપત્ર આપી આંગણવાડી અને આશાવર્કર બ હેનોના લઘુતમ વેતન જાહેર કરવાની માંગણી દોહરાવવામાં આવી હતી.

સંકલિત ગુજરાત આંગમવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનના વડપણ હેઠળ ગુજરાતના આગામી બજેટમાં આંગણવાડી અને આશાવર્કર બહેનોને ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે વેતન આપવામાં આવે તેવી માંગણી કરવા માટે આજરોજ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની રેલી યોજવામાં આવી હતી.કેન્દ્ર સરકારની યોજના હોવા છતાં 2018 પછી આઠ બજેટ રજુ થયા બાદ પણ આંગણવાડીના મહિલા કાર્યકરોના વેતનમાં કોઈ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો નથી. જયારે વર્ષ 2022માં ગુજરાત સરકારેવેતન વધારવાનું જે વચન આપ્યું હતું તેનું આજ સુધી પાલન થયું નથી.આ પ્રકારના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે આજ રોજ રાજકોટમાં પાંચેક હજાર મહિલાઓની વિશાળ રેલી બાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયુ હતું કે આંગણવાડી અને આશાવર્કર બહેનો માટે દરરોજ કામનો બોજ વધતો જાય છે. ડિજિટલ કામનું ભારણ ઘટાડવા માટે મોબાઈલ ફોન આપવો જરૂરી છે. જયારે સરકારી મેળા કરવા હોય ત્યારે આંગણવાડીના મહિલા કાર્યકર અને આશાવર્કર બહેનોને ફરજીયાત બોલાવવાાં આવે છે. પરંતુ આર્થિક મુશ્કેલીના સમયમાં આ બહેનોને મદદરૂપ થવાની ખાત્રી આપવામાં આવ્યા પછી સરકાર દ્વારા કોઈ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી. જે બાબતને દુઃખદ ગણાવી વેતન વધારાની માંગણી દોહરાવવામાં આવી હતી.

