બોલીવુડના સલમાન ખાન ગઈકાલે મુંબઈમાં વર્લ્ડ પેડલ લીગ (WPL)ના સીઝન 3ના ઉદ્ઘાટન સમારોહમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેતાએ પોતાના નાના ભાઈ સોહેલ ખાનને સપોર્ટ કર્યો હતો.
સોહેલ ખાન નવી ટીમ ખાન ટાઈગર્સનો માલિક છે. ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ દ્વારા સહ-સ્થાપિત આ લીગ 12થી 16 ઓગસ્ટ દરમિયાન મુંબઈના ગોરેગાંવ સ્થિત નેસ્કો સેન્ટર ખાતે યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન સલમાનને પૂછવામાં આવ્યું કે શું તેણે ક્યારેય ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ટીમ ખરીદવાનું વિચાર્યું છે? તેના પર ભાઈજાને ચોંકાવનારો જવાબ આપ્યો હતો.
શું સલમાન ખાને IPL ટીમ ખરીદવાનું વિચાર્યું?
ભાઈજાને IPL ટીમ ખરીદવાના સવાલ પર એક રમૂજી જવાબ આપ્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અભિનેતાએ કહ્યું હતું કે, ‘અમે હવે IPL માટે ખૂબ જ વૃદ્ધ છીએ, અમને ઘણા સમય પહેલા એક ટીમ ઓફર કરવામાં આવી હતી પરંતુ અમે તે સ્વીકારી ન હતી અને એવું નથી કે અમને તે નિર્ણયનો અફસોસ છે. અમે ISPLથી ખૂબ ખુશ છીએ. આ અમારી શૈલી છે, ટેનિસ બોલ ક્રિકેટ… ગલી ક્રિકેટ… મોટી લીગ હકીકતમાં અમારા માટે નથી અમે અહીં વધુ સારા છીએ.’


