BWF એટલે કે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026માં ભારતની ત્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ જોડીએ ભારત માટે મેડલ જીતીને મહિલા ડબલ્સમાં 15 વર્ષનો લાંબો દુષ્કાળ ખતમ કરવાનું કામ કર્યું છે
ચીનના ખેલાડીઓ સાથે ટક્કર
નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપની મહિલા ડબલ્સની સેમિફાઈનલમાં ભારતીય જોડીનો મુકાબલો વર્લ્ડ નંબર-1 અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનની લિયુ શેંગશુ અને ટેન નિંગની જોડી સામે હતો. 1 કલાક 11 મિનિટ સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં ત્રીસા-ગાયત્રીનો 21-18, 13-21, 8-21 થી પરાજય થયો હતો. સેમિફાઈનલમાં હાર છતાં, તેમણે બ્રોન્ઝ મેડલ (કાંસ્ય ચંદ્રક) પોતાના નામે કર્યો છે.

15 વર્ષનો દુષ્કાળ થયો પૂરો
જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પા પછી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી ત્રીસા-ગાયત્રી ભારતની માત્ર બીજી મહિલા ડબલ્સ જોડી બની ગઈ છે. આ અગાઉ વર્ષ 2011ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ બ્રોન્ઝ મેડલ જીતીને આ કમાલ કર્યો હતો. ત્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ 2026 ની એશિયન ગેમ્સ માટેની ભારતીય બેડમિન્ટન ટીમનો પણ મહત્વનો હિસ્સો છે.

