ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સીઝન વચ્ચે જ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે મુશ્કેલીઓ વધી હતી. ઇંગ્લેન્ડના બે દિગ્ગજ ફાસ્ટ બોલરો બ્રાયડન કાર્સે અને ડેવિડ પેન ઇજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. જોકે, ફ્રેન્ચાઇઝી માલિક કાવ્યા મારન અને ટીમ મેનેજમેન્ટે તરત જ એક્શનમાં આવીને તેમના મજબૂત વિકલ્પો શોધી કાઢ્યા છે. બ્રાયડન કાર્સેની જગ્યાએ અગાઉ દિલશાન મદુશંકાને ટીમમાં લેવામાં આવ્યો હતો, અને હવે ડેવિડ પેનના સ્થાને ગેરાલ્ડ કોએટ્ઝીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેનાથી હવે અભિષેક અને ટ્રેવિસ અને ક્લાસેન જેવા ધૂરધંર બેટિંગ સેક્શનની સાથે હવે બોલિંગ સેક્શન પણ મજબૂત થઇ ગયું છે.

ગેરાલ્ડ કોએટ્ઝી: 145+ ની સ્પીડ અને આક્રમક અંદાજ
સાઉથ આફ્રિકાના આક્રમક ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએટ્ઝીને હૈદરાબાદે 2 કરોડ રૂપિયાની કિંમતે પોતાની ટીમ સાથે જોડ્યો છે. કોએટ્ઝી પોતાની ઘાતક સ્પીડ માટે જાણીતો છે, જે સતત 145 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરીને બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેની પાસે 14 વનડે અને 18 ટી20 ઇન્ટરનેશનલ મેચોનો અનુભવ છે, જેમાં તેણે કુલ 67 વિકેટ ઝડપી છે.
IPL નો બહોળો અનુભવ
કોએટ્ઝી માટે આ લીગ નવી નથી. તે અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) જેવી ટીમોનો હિસ્સો રહી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી 14 IPL મેચોમાં 15 વિકેટ ઝડપી છે. બોલિંગની સાથે સાથે તે નીચલા ક્રમે ઉપયોગી બેટિંગ કરવાની પણ ક્ષમતા ધરાવે છે, જે હૈદરાબાદની ટીમમાં વધારાની ઊંડાઈ (Depth) લાવશે.
નવા યુવા બોલરો અને કમિન્સની વાપસી
સનરાઇઝર્સ માટે હાલમાં સારા સમાચાર એ પણ છે કે ટીમને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સાકિબ હુસૈન અને પ્રફુલ હિંગે જેવા ધારદાર યુવા બોલરો મળ્યા છે. બીજી તરફ, કેપ્ટન પેટ કમિન્સ પણ પોતાની પીઠની ઇજામાંથી મુક્ત થઈ રહ્યો છે અને એપ્રિલના અંત સુધીમાં મેદાન પર પરત ફરે તેવી શક્યતા છે. હેડ કોચ ડેનિયલ વેટોરી પાસે હવે બોલિંગમાં અનેક મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે, જે ટીમને ટૂર્નામેન્ટમાં ફરી બેઠી કરવામાં મદદરૂપ થશે.

